- ભારત બ્રાન્ડ સાથે સરકાર વેચશે ભારત રાઈસ
- 29 રૂપિયે પ્રતિ કિલોના હવે મળશે ભારત રાઈસ
- પિયુષ ગોયલે બતાવી ભારત રાઈસ વાનને લીલીઝંડી
સામાન્ય લોકોને ચોખાની મોંઘવારીમાંથી રાહત આપવા માટે મોદી સરકારે બજારમાં ભારત ચોખા લોન્ચ કર્યા છે. ભારત ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગ્રાહકોને ઉપલબ્ધ થશે. ભારત ચોખા 5 કિલો અને 10 કિલોના પેકમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
રિટેલ માર્કેટમાં ચોખાના ભાવમાં થયેલા વધારાને લઈને લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે ભારત દાળ અને ભારત આટા બાદ હવે ભારત ચોખા બજારમાં ઉતાર્યા છે. છેલ્લા એક વર્ષમાં ચોખાના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં ચોખાની મોંઘવારીમાં રાહત આપવા માટે સરકારે છૂટક બજારમાં 29 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ભારત ચોખા લોન્ચ કર્યા છે.
ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે ભારત રાઈસ લોન્ચ કરતાં જણાવ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે સામાન્ય લોકોને પોષણક્ષમ ભાવે રોજિંદા ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય. તેમણે કહ્યું હતું કે ભાવને નિયંત્રિત કરવાના સરકારના પ્રયાસોથી લોકો લાભ નહોતો મળી રહ્યો એટલે સરકારે પ્રાઇસ સ્ટેબિલિટી ફંડ હેઠળ છૂટક હસ્તક્ષેપ શરૂ કર્યો છે. છૂટક હસ્તક્ષેપના ભાગ રૂપે, મધ્યમ વર્ગના ગ્રાહકો અને ગરીબોને રાહત આપવા માટે ભારત બ્રાન્ડ હેઠળ 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખાનું છૂટક વેચાણ કરવામાં આવશે. દરેક કિલોગ્રામ ભારત ચોખામાં પાંચ ટકા તૂટેલા ચોખા હશે.
પિયુષ ગોયલે 100 મોબાઈલ વાનને પણ લીલી ઝંડી બતાવી જે ‘ભારત ચોખા’નું વેચાણ કરશે અને પાંચ લાભાર્થીઓને પાંચ કિલોના પેકનું વિતરણ પણ કરવામાં આવ્યું. FCI પ્રથમ તબક્કામાં NAFED અને NCCFની સાથે સાથે કેન્દ્રીય ભંડારને પાંચ લાખ ટન ચોખા ઉપલબ્ધ કરાવશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પણ ચોખાનું વેચાણ કરવામાં આવશે.
ખાદ્ય મોંઘવારીમાં ભારે ઉછાળા બાદ સરકાર ભારત બ્રાન્ડના નામ સાથે પહેલા જ દાળ અને લોટનું વેચાણ કરી રહી છે. દાળની મોંઘવારીમાં રાહત આપવા માટે ભારત બ્રાન્ડના નામ સાથે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાની દાળ છૂટક બજારમાં વેચાઈ રહી છે. ઘઉંના ભાવમાં વધારો જોતાં સરકાર સામાન્ય લોકોને સસ્તા ભાવે લોટ આપવા માટે 27.50 રૂપિયા પ્રતિ કિલો લોટ વેચી રહી છે. અને હવે ભારત ચોખા લોન્ચ કરવામાં આવ્યા છે.


