- કેન્દ્ર જજિસની નિયુક્તિ માટે કોલેજિયમના ઠરાવમાંથી નામ પસંદ કરી શકે જ નહીં : સુપ્રીમ કોર્ટ
- કોલેજિયમના ઠરાવમાંથી નામ પસંદ કરીને જજિસની નિયુક્તિ કરવાની સિસ્ટમ બંધ થવી જોઈએ
- જજિસની નિયુક્તિ પસંદગીના ધોરણે કરવામાં આવશે તો યુવાન જજિસ બેન્ચમાં જોડાઈ શકશે જ નહીં
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોમાં જજિસની નિયુક્તિ માટે કેન્દ્ર સરકાર અને કોલેજિયમ વચ્ચેનો વિવાદ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે જજિસની નિયુક્તિ માટે કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવતી ‘પીક એન્ડ ચૂઝ’ની નીતિ સામે તીખા તેવર વ્યક્ત કર્યા છે. જજિસની નિયુક્તિ માટે સરકાર દ્વારા અપનાવાતી ‘પીક એન્ડ ચૂઝ’ની સિસ્ટમ અયોગ્ય હોવાનો મત વ્યક્ત કરાયો છે. કોલેજિયમનાં ઠરાવમાંથી નામ પસંદ કરીને જજિસની નિયુક્તિ કરવાની સિસ્ટમ બંધ થવી જોઈએ તેવી આક્રમક ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ સંજય કૌલે કહ્યું હતું કે આ માત્ર સામાન્ય ટિપ્પણી નથી, મેં કોલેજિયમ સાથે ચર્ચા કર્યા પછી આવી ટિપ્પણી કરી છે.
સર્વોચ્ચ અદાલતનાં બે જજિસ જસ્ટિસ સંજય કૌલ અને જસ્ટિસ સુધાંશું ધુલિયાની બેન્ચે જણાવ્યું હતું કે જો જજિસની નિયુક્તિ પસંદગીનાં ધોરણે કરવામાં આવશે તો યુવાન જજિસ બેન્ચમાં જોડાઈ શકશે જ નહીં. તાજેતરમાં જે ભલામણ કરાઈ છે તેમાં પસંદગીનાં ધોરણે પીક એન્ડ ચૂઝની સિસ્ટમ અપનાવાઈ છે જે ચિંતાની બાબત છે. કેટલીક નિયુક્તિ કરવામાં આવે અને કેટલીક કરવામાં ન આવે તો તેવા કિસ્સામાં સીનિયોરિટી જોખમાય છે. જે સફળ વકીલોને બેન્ચમાં જોડાવા માટે ભાગ્યે જ અનુકૂળ છે. આ વિવાદ પછી સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચેનો વિવાદ ઘેરો બન્યો હોય એમ લાગે છે.
કેન્દ્ર સરકાર દ્વારા પસંદગીનાં નામ જ મંજૂર કરાતા હોવાનો આક્ષેપ
સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે એટર્ની જનરલ ફોર ઈન્ડિયા (AG) આર. વેંકટરામાની સમક્ષ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોલેજિયમ દ્વારા હાઈકોર્ટના જજિસની ટ્રાન્સફર માટે કરવામાં આવેલી કેટલીક દરખાસ્ત પેન્ડિંગ હોવા અંગે એજીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જસ્ટિસ કૌલે તાજેતરમાં પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટ (P&H HC) માટે મંજૂર કરવામાં આવેલી નિયુક્તિનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા (P&H HC) નાં પાંચ એડવોકેટને પ્રમોશન આપવાની ભલામણ કરાઈ હતી પણ કેન્દ્ર સરકારે ફક્ત 3 નામ જ પસંદ કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી કેટલીક નિયુક્તિ પણ આવી રીતે પીક એન્ડ ચૂઝ ધોરણે જ કરાઈ છે. બેન્ચે કહ્યું કે અમે આશા રાખીએ કે એવી સ્થિતિ નહીં સર્જાય કે કોલેજિયમ કે આ કોર્ટ કોઈ એવો નિર્ણય લે જે સ્વીકાર્ય ન હોય.
કેન્દ્ર સમક્ષ 19 ભલામણ પેન્ડિંગ
બેન્ચે નોંધ્યું હતું કે કેન્દ્ર પાસે હજી 19 ભલામણ પેન્ડિંગ છે. જેમાં 14 ભલામણ પહેલી વખત કરાઈ છે જ્યારે 5 ભલામણ બીજી વખત કે તેથી વધુ વખત કરાઈ છે. ઓર્ડર જાહેર કર્યા પછી જસ્ટિસ કૌલે એજીને કહ્યું હતું કે મિસ્ટર એટર્ની આ મામલે કોઈ પ્રગતિ થાય તેવું કરો. પસંદગીની નિયુક્તિઅટ્વો સિવાય ટ્રાન્સફર પણ જરૂરી છે. આ ટ્રાન્સફર અવશ્ય થવી જોઈએ. અન્યથા સિસ્ટમમાં વિસંગતિ જન્મશે. કેસની વધુ સુનાવણી 20 નવેમ્બરે નક્કી કરાઈ છે. બેંગ્લુરુનાં એડવોકેટ્સ એસોસીએશને કરેલી અરજી પર આ સુનાવણી હાથ ધરાઈ હતી.