- એન્જેલો મેથ્યૂસ (141) અને દિનેશ ચાંદીમલ (107)ની શાનદાર ઇનિંગ
- ટેસ્ટ દરમિયાન મેદાનમાં ઘો પ્રવેશતા મેચ રોકવી પડી
- શ્રીલંકા વતી ટીમનો અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યૂસ ટોપ સ્કોરર રહ્યો હતો
અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચમાં યજમાન ટીમે મેહમાન ટીમ પર શિકંજો કસ્યો છે. અફઘાનિસ્તાનના પહેલી ઇનિંગના 198 રન સામે શ્રીલંકન ટીમે બીજા દિવસની રમતના અંતે પોતાની પહેલી ઇનિંગમાં 6 વિકેટના ભોગે 410 રન ખડકીને મહેમાન ટીમ પર 212 રનની લીડ મેળવી લીધી છે. શ્રીલંકા વતી ટીમનો અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યૂસ ટોપ સ્કોરર રહ્યો હતો. જ્યારે દિનેશ ચાંદીમલે પણ મેથ્યૂસને સારો સાથ આપ્યો હતો. બંને ખેલાડીએ મેચમાં સદી ફટકારી હતી. મેથ્યૂસે 14 બાઉન્ડ્રી અને 3 સિક્સરની મદદથી 259 બોલમાં 141 રનની ઇનિંગ રમી હતી જ્યારે દિનેશ ચાંદીમલે પણ તેનો સારો સાથ આપતા 181 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. તે ઉપરાંત દિમૂથ કરુણારત્નેએ 77 જ્યારે મદુશંકાએ 37 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન વતી નાવીદ ઝાદરાન અને કૈસ અહેમદે બે-બે વિકેટ ખેરવી હતી જ્યારે નિજાત મહેમૂદને એક વિકેટ મળી હતી. રમતના ત્રીજા દિવસે શ્રીલંકન ટીમ પોતાની લીડને વધારે મજબૂત કરીને અફઘાનિસ્તાનને ઇનિંગની હાર આપવા માટે પ્રયાસ કરશે જ્યારે અફઘાનની ટીમ શ્રીલંકન ટીમની વિકેટો જલદી ખેરવવા પ્રયાસ કરશે.
ટેસ્ટ દરમિયાન મેદાનમાં ઘો પ્રવેશતા મેચ રોકવી પડી
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી હતી જેના કારણે મેચ રોકવાની ફરજ પડી હતી. રમત દરમિયાન ગ્રાઉન્ડ પર એક મોનિટર લિઝાર્ડ (ઘો) પ્રવેશી ગઈ હતી. મેચના બીજા દિવસે 48મી ઓવર દરમિયાન મેદાનમાં ઘો પ્રવેશી જતા મેચ રોકવાની ફરજ પડી હતી. ઘો બાઉન્ડ્રી રોપ પાસે જોવા મળી હતી જેના કારણે મેચને રોકવાની ફરજ પડી હતી. ગ્રાઉન્ડ્સમેને ઘો ને હટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલા જ ઘો બાઉન્ડ્રી રોપની બીજી તરફ જતી રહી હતી.


