ચોક્કસ બિલ્ડર સાથે થયેલા સોદાના થોકબંધ સાહિત્ય કબજે, એક વ્યક્તિને CGSTની ટીમ સાથે ઉપાડી ગઇ
એસ્ટેટ બ્રોકરોએ બુકીંગના કામ લીધા હોય તેવા બિલ્ડરોના સોદાની ચાલતી તપાસ
રાજકોટમાં ટીઆરપી કાંડ બાદ મનપાના ટીપીઓ સાગઠિયાને ચોક્કસ બિલ્ડરો અને એસ્ટેટ બ્રોકરો સાથે સાંઠગાંઠ હોવાનું ખુલ્યા બાદ તેના સીધા જ પ્રત્યાઘાત કેન્દ્ર કક્ષાએથી પડ્યા છે. સેન્ટ્રલ જી.એસ.ટી.એ આજે રાજકોટમાં મોટા ગજાના કહેવાય મોદી એસ્ટેટ સહિત ચાર એસ્ટેટ બ્રોકરોને ત્યા દરોડાં પાડ્યા હતા. થોકબંધ સાહિત્ય કબજે કર્યુ હોવાનું અને એક વ્યક્તિને સીજીએસટીની ટીમે ઉપાડીને કઇ કઇ જગ્યાએ? ક્યા પ્રોજેક્ટના સોદા કર્યા છે? એ સહિતની તપાસ માટે ચોક્કસ સાઇટ પર તપાસ ચાલી રહી હોવાનું આ લખાય છે ત્યારે જાણવા મળ્યું છે.
રાજકોટ હાલ માત્ર ગુજરાત જ નહીં પણ દેશ કક્ષાએ ‘હોટ ન્યૂઝ ઓફ સિટી’ બની ગયુ છે. ખાસ કરીને ટીઆરપી કાંડ પછી જે રીતે અહીં રિયલ એસ્ટેટમાં જમીનથી લઇને આસમાન સુધી ગોરખધંધા ચાલી રહ્યા છે તેના સીધા જ પડઘા કેન્દ્ર સુધી પડ્યા છે. સાગઠિયા કાંડ પછી તેની સાથે ભાગીદારી કરનાર બિલ્ડરોના નામ ભલે ખુલ્યા ન હોય પણ વાયા એસ્ટેટ બ્રોકર મારફતે હવે સેન્ટ્રલ જીએસટીએ રાજકોટમાં ધામા નાંખ્યા છે.
આજે શનિવારે ઉઘડતી સવારે જ સેન્ટ્રલ જીએસટીની ટીમ ‘રેડ’ પિકચરની માફક ત્રાટકી હતી. મોદી એસ્ટેટ સહિત ચાર મોટા ગજાના બ્રોકરને ત્યા પડતાલ પાડી હતી. બ્રોકરની ઓફિસેથી થોકબંધ સાહિત્ય, કોમ્પ્યુટર હાર્ડડીસ સહિતનું કબજે કર્યુ હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
સુત્રોનું કહેવુ ત્યા સુધી છે કે, જાણકાર એક વ્યક્તિને પણ તપાસ ટીમે ઉપાડી લીધી છે અને એસ્ટેટ બ્રોકર પેઢીએ ક્યા-ક્યા બ્રોકર સાથે બુકીંગના કામ લીધા છે તેની તપાસ ચાલી રહી છે. બિલ્ડરોના પ્રોજેક્ટના સ્થળે પણ તપાસ કરવા ટીમ આ જાણકાર વ્યક્તિને સાથે લઇ ગઇ હોવાનું પણ જાણવા મળે છે.
દરોડાં પડ્યા બિલ્ડરોને ત્યાં, હચમચી ગયુ બિલ્ડર લોબી
સ્ટેટ જીએસટીને ભડક પણ ન આવે એ રીતે સેન્ટ્રલ જીએસટીની ટીમે રાજકોટમાં એસ્ટેટ બ્રોકરોને ત્યા પાડેલા દરોડાંના પગલે બિલ્ડર લોબી હચમચી ગઇ છે. આજે સવારથી રાજકોટના રિયલ એસ્ટેટ જગતમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, બ્રોકરો મારફતે ક્યા બિલ્ડરો હડફેટે ચડી ગયા છે? જો કોઇ ઠોંસ વિગત સામે આવી નથી.