- બંધને કારણે એક દિવસનો સમય 0.06 માઇક્રોસેકન્ડ વધી ગયો છે, દિવસ થોડો લંબાઈ ગયો
- આ બંધને કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પણ તેની જગ્યાએથી 2-2 સેમી ખસી ગયા છે
- વિશ્વની તે ત્રીજા નંબરની સૌથી લાંબામાં લાંબી નદી છે જેની લંબાઈ 6,000 કિ.મીથી વધારે છે
નદીઓ પર બાંધવામાં આવતા ડેમ કે બંધ આમ તો પૂર રોકવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા તેમજ વીજળીનાં ઉત્પાદન માટે આશીર્વાદરૂપ છે પણ ચીનમાં બનાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો ડેમ થ્રી ગોર્જિસ ડેમ વિવાદો વચ્ચે ઘેરાયેલો છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીનનાં આ થ્રી ગોર્જિસ ડેમને કારણે પૃથ્વીની પરિભ્રમણ કરવાની ગતિ ધીમી પડી ગઈ છે. આ એક હાઈડ્રોઇલેક્ટ્રિક ડેમ છે. ચીનનાં હુબેઈ પ્રાંતમાં યાંગ્ઝી નદી પર તે બાંધવામાં આવેલો છે. વિશ્વની તે ત્રીજા નંબરની સૌથી લાંબામાં લાંબી નદી છે જેની લંબાઈ 6,000 કિ.મીથી વધારે છે. આ નદીમાં વારંવાર વિનાશક પૂર આવે છે. દર 10 વર્ષે તેનાં કિનારાનું ધોવાણ થાય છે. 20મી સદીમાં તેમાં આવેલા ભીષણ પૂરમાં ત્રણ લાખ લોકો માર્યા ગયા હતા.
પૃથ્વીનાં પરિભ્રમણને ધીમું કર્યું
એવો દાવો કરાયો છે કે થ્રી ગોર્જિસ ડેમને કારણે પૃથ્વીનાં પરિભ્રમણને માઠી અસર થઈ છે. પૃથ્વીનું પરિભ્રમણ ધીમું પડી ગયું છે. નાસાનાં વૈજ્ઞાનિકોએ 2005માં કરેલી ગણતરી એવો નિર્દેશ કરે છે કે થ્રી ગોર્જિસ ડેમને કારણે પૃથ્વીનાં પરિભ્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. હકીકતમાં જોઈએ તો પૃથ્વીનાં પરિભ્રમણને અનેક પરિબળો અસર કરી રહ્યા છે. આ ડેમનાં સરોવરમાં 42 બિલિયન ટન પાણી છે તેનાં દબાણને કારણે પૃથ્વી પરિભ્રમણ કરતી વખતે તેનું મોમેન્ટમ ગુમાવી દે છે. પાણીનાં દબાણમાં થતા બદલાવને કારણે તેમજ તેમાં રહેલા પદાર્થોમાં થતા બદલાવને કારણે એક દિવસનો સમય 0.06 માઇક્રોસેકન્ડ વધી ગયો છે. બંધને કારણે દિવસ થોડો લંબાઈ ગયો છે. બંધને કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પણ તેની જગ્યાએથી 2-2 સેમી ખસી ગયા છે. જ્યારે અન્ય ધ્રુવો પર પૃથ્વી થોડી ચપટી થઈ ગઈ છે.
સ્ટીલનો વધુ ઉપયોગ બોજરૂપ બન્યો
સ્ટીલ અને કોંક્રિટમાંથી આ ડેમ બનાવાયો છે. જેની લંબાઈ 2.3 કિ.મી છે. 115 મીટર પહોળો અને 185 મીટર ઊંચો છે. ડેમ બાંધવાનો ખર્ચ અઢી લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તેને બનાવતા 20 વર્ષ લાગ્યા હતા. 1994માં તેને બાંધવાનું શરૂ કરાયું હતું જે 2012માં પૂર્ણ થયું હતું. ડેમ બાંધવા સ્ટીલનો વધુ ઉપયોગ કરાયો છે. 4,63,000 ટન સ્ટીલનો વપરાશ કરાયો છે તેથી સ્ટીલનાં સ્ટ્રક્ચરનું દબાણ વધ્યું છે. આટલા સ્ટીલમાંથી 60 એફિલ ટાવર બનાવી શકાય.


