- મૂર્છા એ જીવન નથી
પરાધીનતા એ જીવનનો પરિચય નથી. હા, કોઈ સદ્ગુરુના આશ્રયે રહીએ એ તો એક વિશિષ્ટ પ્રકારની સ્વતંત્રતા છે. માના ખોળામાં રમતું બાળક આમ પરાધીન છે, પણ એ અભયતાનું સૂચક છે
આજીવન બહુ સુંદર છે, પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું, તમે જીવનનો અર્થ શું કરો છો? જીવન એટલે શું? લાઈફ શું છે? શું અર્થ કરો છો તમે જીવનનો? બે હાથ, બે પગ, નાક, કાન, વિચાર, હૃદય, રક્તકણ, શ્વેતકણ, હાડકાં, માંસ-આ બધું એટલે જીવન? જીવનનો અર્થ શું છે? ખાવું-પીવું, સૂઈ જવું, ભોગ ભોગવવા? આહાર, નિદ્રા, ભય, મૈથુન-એ તો સામાન્યમાં સામાન્ય પશુઓ પણ કરે છે. તો ખરેખર જીવન એટલે શું? પશ્ચિમે જીવનનો વિચાર બહુ ટૂંકો કર્યો. પૂર્વની સભ્યતાએ જીવનનો વિચાર બહુ જ અનુભૂત કર્યો. તુલસીદાસજી એક પ્રશ્ન ઉઠાવે છે.
એહિ તન કર ફલ બિષય ન ભાઈ,
સ્વર્ગઉ સ્વલ્પ અંત દુ:ખદાઈ.
આ શરીરનું ફળ વિષય નથી. એનો અર્થ વિષયનો નિષેધ નથી, પણ શરીરનું ફળ કેવળ વિષય નથી. તુલસીદાસજી કહે છે, શરીરનાં બે ફળ છે, એક નિર્વાણ અને બીજો પ્રેમ અથવા તો આ બે ફળ બતાવ્યાં મારા તુલસીએ-એક તો મુક્તિ અને બીજી ભક્તિ. જેને ભક્તિ જોઈતી હોય અથવા તો જેને નિર્વાણ જોઈતું હોય. જેને જે માફક આવે એ.
તો, જીવનનો અર્થ તમે શું કરો છો? લોકો એમ કહે છે કે દશ લાખ રૂપિયા થઈ જાય ને પછી ફિક્સ ડિપોઝિટ થઈ જાય એટલે ધન્ય! આ ધન્યતા છે? દશ લાખ થાય એ સારી વસ્તુ છે. તમારી સુવિધા વધે એ વ્યાસપીઠ કેમ ન ઇચ્છે? પણ તોય એ ઓડકાર તો નથી! તો કૃતકૃત્ય કોને કહેવાય? ઓડકાર ક્યાં આવે છે? મને જે સમજાયું તે આપને કહું છું. જીવન ક્યારે મળે? જનમ તો મળ્યો છે, મૃત્યુ પણ મળશે. આ બેની વચ્ચે ક્યાંક ક્યાંક જીવન અર્જિત કરવાનું હોય છે. આ જન્મથી મૃત્યુ સુધીની યાત્રામાં જીવન મેળવવાનું હોય છે. એમાં કોઈકોઈ જીવન મેળવી ગયા, બાકી કેટલાય એમ જ જતા રહ્યા! આવી વાતો કરીને હું નિરાશા ફેલાવવા પણ નથી માગતો, પણ વિચાર માટે નિમંત્રણ આપું છું જરૂર. જીવન એટલે શું? પરણી લીધું એ જીવન? પરણવું જોઈએ, ઠીક છે. છોકરાઓનાં લગ્ન કરી નાખ્યાં એ જીવન? ધંધો વધી ગયો એ જીવન? જીવનનો અર્થ શું? તમે પણ વિચારજો. આ પરામર્શ છે તમારી સાથે. મને જે સમજાયું એ તમને કહું છું.
પહેલું, જીવન એને કહેવાય, જે જીવનમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે. જ્યાં સુધી કંઈ ને કંઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ જીવન નથી. હવે આ સૂત્ર જરા મુશ્કેલ લાગશે, કારણ કે અભાવ તો બધાંનાં જીવનમાં છે જ. શરીર સારું છે, તો પત્નીની સાથે મનમેળ નથી! પત્ની બરાબર છે, તો બાળક નથી! બાળક છે, તો બીમાર રહે છે! બાળક બરાબર છે ને ઘરમાં બધું બરાબર છે, તો ઘરમાં પૈસા નથી! પૈસા છે, તો પ્રતિષ્ઠા નથી! પ્રતિષ્ઠા છે, તો કોઈના ઉપર પ્રેમ નથી! આવી બધી કંઈક ને કંઈક ખામીઓ તો રહે છે આપણા જીવનમાં! તો અભાવો તો છે જ! જીવનમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન રહે એના માટે તો આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે મારે આ જગત પાસેથી કંઈ જોઈતું નથી. જ્યાં સુધી અપેક્ષાઓ છે, ત્યાં સુધી અભાવ રહેવાનો. હું જાણું છું, આ વાતો કરવી સહેલી છે, પણ વિચારવું તો રહ્યું જ.
બીજું, જ્યાં પરાધીનતા ન હોય એનું નામ જીવન, કારણ કે તુલસી લખે છે –
પરાધીન સપનેહુ સુખ નાહી.
પરાધીનતા એ જીવનનો પરિચય નથી. હા, કોઈ સદ્ગુરુના આશ્રયે રહીએ એ તો એક વિશિષ્ટ પ્રકારની સ્વતંત્રતા છે. માના ખોળામાં રમતું બાળક આમ પરાધીન છે, પણ એ અભયતાનું સૂચક છે. ટ્રેનના ડબ્બામાં બેસો તો તમે પરાધીન નથી? પરાધીન છો, પણ એ ડબ્બો જ તમને મુંબઈ પહોંચાડી દે છે! જે જીવમાં પરાધીનતા છે એ એના જીવનનો પરિચય નથી. એનો અર્થ સ્વચ્છંદીપણાનો અહીં સ્વીકાર નથી, કારણ કે જીવનો મૂળ સ્વભાવ સ્વતંત્ર રહેવાનો છે. એને ધર્માંતર શું કામ કરાવીએ છીએ આપણે? માયાને લીધે જીવ પરતંત્ર થયો એ એનાં દુર્ભાગ્ય! પરાધીનતા ન હોય એનો અર્થ એમ ન કરશો કે પત્ની પતિને આધીન ન હોય, પતિ પત્નીને આધીન ન હોય! એ અર્થમાં આ વાત નથી. એક જુદા જ અર્થમાં હું કહી રહ્યો છું. તો જ્યાં અભાવો નથી રહ્યા અને જ્યાં પરાધીનતા નથી રહી, એ જીવનનો પરિચય છે.
ત્રીજું, જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એનું નામ જીવન. મૂર્છા એ જીવન નથી, ચૈતન્ય એ જીવન છે. જ્યાં નિરંતર જાગૃતિ છે, એનું નામ જીવન કહેવાય. ચોથું, જેના જીવનમાં નીરસતા નથી, એનું નામ જીવન છે. હવે આ ભારેખમ શબ્દો કહીને માણસ નિરાશ થઈ જાય, નીરસ થઈ જાય, તો એ પાછું જીવન ચૂક્યો! જેના જીવનમાં નીરસતા નથી, એનું જીવન જીવન કહેવાય. માણસ રસિક હોવો જોઈએ, કારણ કે રસ એ જીવન માટે બહુ જરૂરી છે. આમ તો સાહિત્યના આટલા રસ છે. ભોજનના ખટરસ છે, એમ ચાર રસ અધ્યાત્મજગતના છે. એક રસનું નામ છે ભોગરસ. જે નિરંતર ઘટે છે, વધતો નથી, એનું નામ છે ભોગરસ. બીજો છે શાંતરસ. શાંતરસમાં સામર્થ્ય બહુ છે; એમાં તાકાત બહુ છે. ત્રીજો છે ભાવરસ. ભાવરસ ક્યારેક કોઈના જીવનમાં અખંડ હોઈ શકે, પણ અનંત નથી. એનોય ક્યારેક અંત આવે છે. અધ્યાત્મજગતનો છેલ્લો અને ચોથો રસ છે પ્રેમરસ. એ અખંડ પણ છે અને અનંત પણ છે. એ પ્રતિક્ષણ વર્ધમાન છે. એ વધે જ, ઘટે નહીં.
તો જીવનમાં રસિકતા હોવી જોઈએ, નીરસતા હોય એ જીવન નથી. નીરસતા એ મારી સમજમાં જીવનનો પરિચય નથી. શું કામ નીરસ રહેવું? એનો અર્થ હું એમ પણ નથી કહેતો કે ભોગરસ ને એવા રસોમાં માણસ ડૂબેલો રહે. એમ નહીં, પણ માણસ આત્માને જે ગમે છે એટલા પૂરતો તો રસિક હોવો જોઈએ. તમે સંગીત ન માણી શકો, તમે સાહિત્ય ન માણી શકો, તમે નૃત્ય ન માણી શકો, તમે ગીતને ન સમજી શકો તો પછી એ જીવન કેવું? અધ્યાત્મ નીરસ રહેવાનું ન શીખવે. જીવનમાં રસ ન હોય, જીવનમાં આનંદ ન હોય, જીવનમાં પ્રસન્નતા ન હોય તો જીવતર નકામું છે. કૃષ્ણ જેવી છે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ? એ બ્રહ્મ છે. પૂર્ણ અવતાર છે. એના જીવનની રસિકતા જુઓ! રામ પણ ઓછા રસિક છે? શંકરનું તો કહેવું જ શું! નીરસતા એ જીવનનો પરિચય નથી. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, રસમય જીવો.
આગળનું સૂત્ર, જીવન પ્રેમપૂર્ણ હોવું જોઈએ. અહીં રસ અને પ્રેમ જુદા પડે છે. આ એ પ્રેમની હું વાત કરું છું –
રામહિ કેવલ પ્રેમ પિઆરા,
જાનિ લેઉ જો જાનનિહારા.
આવું પ્રેમપૂર્ણ જીવન એ જીવનનો પરિચય છે. તો મૂર્છા વગરનું જીવન, ચૈતન્યથી ભરેલું જીવન, ત્યાગ-સમર્પણ અને વિચારોથી ભરેલું એવું જીવન એ જ સાચું જીવન છે.