શક્તિની ભક્તિ કે ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. આપણે ત્યાં બે નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. જેમાંથી એક છે ચૈત્ર માસની નવરાત્રી અને બીજી છે આસો માસની નવરાત્રી. આસો માસની નવરાત્રીએ ગરબા, ઉપાસના વગેરેનું મહત્ત્વ છે, જ્યારે ચૈત્રી નવરાત્રી દૈવિક સાધના-ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે. નવરાત્રીના નવ દિવસ દેવીનાં નવ સ્વરૂપની આરાધના કરવાથી સાધકને માતાજીના આશીર્વાદ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ચૈત્રી નવરાત્રી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ-એપ્રિલ મહિનામાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રી ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સિવાય ભારતભરના લોકો આ નવરાત્રીમાં ઘટસ્થાપન અને ઉપવાસ કરે છે.
નવદુર્ગાની સાધનાનો ઉત્સવ : ચૈત્રી નવરાત્રી
જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે
જેવાં કષ્ટોથી બચી શકે છે
ચૈત્ર નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટસ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવા વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાનાં દુ:ખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે. જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવાં કષ્ટોથી બચી શકે છે. તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે.
નવદુર્ગાનાં નવ સ્વરૂપ
દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પૂજાય છે.
શૈલપુત્રી : માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતા દુર્ગાના પહેલા સ્વરૂપ એવાં શૈલપુત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે. પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. ત્યારે તેમનું નામ સતી હતું. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું. તેમનું વાહન વૃષભ (બળદ) છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે.
બ્રહ્મચારિણી : બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરાય છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. દેવર્ષિ નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ દુષ્કર તપસ્યાને કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગ્રત થાય છે.
ચંદ્રઘંટા : મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્રાકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન અને દસ હાથ છે. દસ હાથમાં બાણ, ખડગ, ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે.
કુષ્માન્ડા : માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માન્ડાનું છે. તેમનું પૂજન નવરાત્રીના ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માન્ડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને આઠ ભુજાઓ છે, તેથી અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના સાત હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃત ભરેલો કળશ, ચક્ર તથા ગદા છે. જ્યારે તેમના આઠમા હાથમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આપનારી જપમાળા છે. માતા કુષ્માન્ડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગ્રત થાય છે.
સ્કંદમાતા : પાંચમાં સ્વરૂપ સ્કંદમાતાનું પૂજન નવરાત્રીના પાંચમા દિવસે કરાય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળસ્વરૂપે બેઠા હોય છે. તેમની ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચલી ભુજા જે ઉપરની તરફ ઊઠેલી છે, તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશાં કમળ પર બિરાજે છે. નવરાત્રીના પાંચમા દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે.
કાત્યાયિની : છઠ્ઠા દિવસે માતા કાત્યાયિનીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને તેમની પૂજા કરી, તેથી તેઓ કાત્યાયિની તરીકે ઓળખાયાં. તેમનો વર્ણ સુવર્ણસમાન ચમકદાર છે. તેમને ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ વરમુદ્રામાં છે. ડાબી તરફની ઉપરની ભુજામાં તલવાર અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.
કાલરાત્રી : નવરાત્રીના સાતમા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકારસમાન કાળો છે. તેમના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમનાં ત્રણ નેત્ર છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળીસમાન ચમકદાર કિરણો નીકળતાં રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ (ગધેડું) છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે જ્યારે નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશાં શુભ ફળદાયક છે. ભગવતી કાલરાત્રીનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગ્રત થાય છે.
મહાગૌરી : માતા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર (સફેદ) છે. તેમના જમણા હાથની ઉપરની ભુજા અભય મુદ્રામાં છે જ્યારે નીચેની ભુજામાં ત્રિશૂળ છે. ડાબા હાથની ઉપરની ભુજામાં ડમરું અને નીચેની ભુજા વરની શાંત મુદ્રામાં છે. પાર્વતી રૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેને કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો, પરંતુ જ્યારે શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગૌર થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડી ગયું. મહાગૌરીની પૂજા-આરાધનાથી સોમચક્ર જાગ્રત થાય છે.
સિદ્ધિદાત્રી : માતા દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિયા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. માતા સિદ્ધિદાત્રીને આઠ ભુજાઓ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે. તેમના જમણા હાથની નીચેની ભુજામાં ચક્ર અને ઉપરની ભુજામાં ગદા તથા ડાબી તરફની નીચેની ભુજામાં શંખ અને ઉપરના હાથમાં કમળપુષ્પ છે. નવરાત્રીના નવમા દિવસે તેમની પૂજાને શુભ માનવામાં આવે છે. ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગ્રત થઈ જાય છે.
સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો?
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. દેવીનું પૂજન-અર્ચન, ઉપાસના, સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.
એકમ
દેવીનું ષોડ્શોપચાર પૂજન કરીને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.
બીજ
દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે.
ત્રીજ
દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. દૂધના ભોગથી વ્યક્તિને સમસ્ત દુ:ખમાંથી છુટકારો મળે છે.
ચોથ
દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.
પાંચમ
દેવીને કેળાંનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે.
છઠ્ઠ
દેવીને (મધ)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે.
સાતમ
દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું દાન કરવું. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.
આઠમ
દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.
નોમ
દેવીને વિવિધ રાંધેલાં ધાન (અનાજ)નો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.