ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે. ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજા વર્ષે ICC ટ્રોફી જીતીને દુબઈમાં તિરંગો લહેરાવ્યો છે. ત્યારે 140 કરોડ દેશવાસીઓ વિવિધ રીતે જીતનો જશ્ન માણી રહ્યા છે.
ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ઢોલ, નગારા વગાડી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, ફટાકડા ફોડીને ભારતીય ટીમની જીતની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો મીઠાઈ વહેંચીને ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ, જામનગર, ગાંધીનગર, આણંદ, સુરત, રાજકોટ સહિત અનેક મોટા શહેરોમાં લોકો રસ્તા પર આવી પહોંચ્યા છે અને ડાન્સ કરી અને ફટાકડા ફોડીને વિશ્વ ચેમ્પિયન બન્યા તેની ઉજવણી અનોખી રીતે કરી રહ્યા છે.
2013માં ટીમ ઈન્ડિયાએ MS ધોનીની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતી હતી
ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારબાદ 2013માં ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતી હતી. હવે 2025માં, ભારત ન્યુઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયનનો ચેમ્પિયન બન્યો છે.
રોહિત અને ગિલ વચ્ચે 105 રનની શાનદાર પાર્ટનરશિપ
252 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી. રોહિત અને ગિલ વચ્ચે 105 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ. ગિલે 31 રન અને રોહિત શર્માએ 76 રન બનાવ્યા. ગિલ અને વિરાટની વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયા દબાણમાં હતી, આ પરિસ્થિતિમાં શ્રેયસ ઐયરે 48 રનની ઈનિંગ રમીને ભારતીય ટીમ પરનું દબાણ ઓછું કર્યું. છેલ્લી ઓવરોમાં, હાર્દિક પંડ્યાએ 18 રનની ટૂંકી પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઈનિંગ રમી.
ભારતનો 25 વર્ષ જૂનો બદલો પૂર્ણ થયો
આ જીત સાથે, ભારતે ન્યુઝીલેન્ડ પર પોતાનો 25 વર્ષ જૂનો બદલો પણ પૂર્ણ કરી લીધો છે કારણ કે ન્યુઝીલેન્ડે 2000 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવીને જ ખિતાબ જીત્યો હતો. વર્ષ 2000 માં, જ્યારે બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, ત્યારે સૌરવ ગાંગુલીએ ભારત માટે 117 રનની સદીની ઇનિંગ રમી હતી. પરંતુ ક્રિસ કેર્ન્સની 102 રનની અણનમ ઇનિંગ્સ ભારતીય ટીમ માટે ખૂબ જ વધારે પડતી સાબિત થઈ. આ વખતે દુબઈમાં કોઈ સદી ફટકારાઈ ન હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગાના રૂપમાં વિજયી શોટ ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી.


