ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની કુલ 15 મેચ ચાર શહેરોમાં રમાશે. આમાં ત્રણ શહેર પાકિસ્તાનના છે. જ્યારે યુએઈના દુબઈમાં સ્થળ બનાવવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની ફાઈનલ ક્યાં રમાશે તે હજુ નિશ્ચિત નથી. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં નહીં પહોંચે તો તેનું આયોજન લાહોરમાં થશે. તેની પાછળ એક મોટું કારણ છુપાયેલું છે.
હાઈબ્રિડ મોડલમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલમાં કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે. જ્યારે પાકિસ્તાનની સાથે અન્ય તમામ ટીમો લાહોર, રાવલપિંડી અથવા કરાચીમાં રમશે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો આ મેચ દુબઈમાં યોજાશે. પરંતુ જો તે ફાઇનલમાં નહીં પહોંચે તો આ મેચ લાહોરમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે.
પાકિસ્તાનની જીદ પુરી કરીને હાઇબ્રિડ મોડલનો નિર્ણય લીધો
ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવા માટે તૈયાર નહોતી. તેણે સુરક્ષાના કારણો દર્શાવ્યા હતા. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ પણ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર ન હતું. તેણે આ મોડલ સ્વીકારવા માટે કેટલીક શરતો રાખી હતી. આમાં એક શરત હતી કે ભારતમાં યોજાનારી ICC ટૂર્નામેન્ટ માટે પણ હાઇબ્રિડ મોડલ લાગુ થવું જોઈએ. ICCએ તેમની શરત સ્વીકારી અને પછી હાઇબ્રિડ મોડલની જાહેરાત કરવામાં આવી.
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આવ્યો આ નિયમ
ICCએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદ્દાને ઉકેલવા માટે એક નિયમ નક્કી કર્યો છે. આ બંને ટીમો 2027 સુધી એકબીજાના દેશમાં નહીં રમે. હવે ભારત અને પાકિસ્તાનની ટીમો હાલમાં એકબીજાના દેશમાં જવાની નથી. તેથી જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો તેનું આયોજન દુબઈમાં થશે. જો તે ફાઇનલમાં નહીં પહોંચે તો લાહોરમાં રમાશે.


