9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 251 રન બનાવ્યા. જવાબમાં, રોહિત શર્માએ 76 રન બનાવ્યા, જ્યારે કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ભારતની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રભાવશાળી યોગદાન આપ્યું.
આ જીત સાથે, ટીમ ઇન્ડિયાએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પછી, બધાને અપેક્ષા હતી કે ટીમ ઈન્ડિયા આ વખતે T20 વર્લ્ડકપની જેમ ખુલ્લી બસ પરેડ કરશે. આ દરમિયાન, ઓપન બસ પરેડ અંગે એક મોટી અપડેટ આવી છે.
ઓપન બસ પરેડ અંગે આવ્યું અપડેટ
ભારત પરંપરાગત રીતે ICC ટુર્નામેન્ટ જીત્યા પછી ઓપન બસ પરેડનું આયોજન કરે છે. પરંતુ રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ ટીમ ભારત પરત ફર્યા બાદ પોતપોતાના ઘરે પરત ફરશે. આનાથી ઓપન બસ પરેડની શક્યતા દૂર થઈ ગઈ છે. આ પહેલા ગયા વર્ષે T20 વર્લ્ડકપ ટાઈટલ પછી ઓપન બસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈપીએલ 22 માર્ચથી શરૂ થઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઈઝીમાં જોડાતા પહેલા થોડો બ્રેક લેશે.
ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા. ભારતે આ લક્ષ્ય 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યું. ન્યુઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે 63 રન અને માઈકલ બ્રેસવેલે અણનમ 53 રન બનાવ્યા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે શ્રેયસ ઐયરે 48 રનનું યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલ અંત સુધી અણનમ રહ્યો અને 34 રન બનાવીને ટીમને જીત તરફ દોરી ગયો. આ જીત સાથે, ભારતે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, જે રોહિત શર્માની કેપ્ટનશીપમાં 9 મહિનામાં બીજો ICC ખિતાબ છે.


