ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહાન મુકાબલો 23 ફેબ્રુઆરીએ દુબઈની ધરતી પર રમાયો હતો. આ મેચ 6 વિકેટથી જીતીને, ભારતીય ટીમે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ સુરક્ષિત કરી લીધું છે. ભારતીય ખેલાડી અક્ષર પટેલે પાકિસ્તાન સામે શાનદાર ફિલ્ડિંગ કરી હતી, ત્યારબાદ તેને બેસ્ટ ફિલ્ડરનો ખિતાબ મળ્યો.
શિખર ધવને આપ્યો મેડલ
પાકિસ્તાન સામે જીત મેળવ્યા બાદ અક્ષર પટેલનું સન્માન કરવામાં આવ્યું. તેને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ મેચમાં અક્ષરે શાનદાર ફિલ્ડિંગ દર્શાવી. તેને પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકને પણ પોતાના રોકેટ થ્રોથી રન આઉટ કર્યો. આ રન આઉટને કારણે અક્ષરને બેસ્ટ ફિલ્ડિંગનો મેડલ મળ્યો. આ સન્માન તેને ભૂતપૂર્વ ભારતીય ખેલાડી શિખર ધવન દ્વારા આપવામાં આવ્યું છે.
ઈમામ-ઉલ-હક સિવાય અક્ષરે વિકેટકીપર કેએલ રાહુલ દ્વારા પોતાના શક્તિશાળી થ્રોથી હરિસ રૌફને પણ રન આઉટ કર્યો. આ સિવાય અક્ષર પટેલે પોતાની બોલિંગથી પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનને પણ ક્લીન બોલ્ડ કર્યો. અક્ષરે 10 ઓવરમાં 49 રન આપીને 1 વિકેટ પણ લીધી.
રોહિત-વિરાટની જાદુઈ ઈનિંગ
આ મેચમાં, રોહિત શર્મા ઓપનર તરીકે સૌથી ઝડપી 9 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેને મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. આ સિવાય વિરાટ કોહલીએ પોતાના ODI ક્રિકેટમાં 14 હજાર રન પણ પૂરા કર્યા. તે આવું કરનાર વિશ્વનો ત્રીજો અને ભારતનો બીજો ખેલાડી બન્યો છે. તેના નામે સૌથી ઝડપી ગતિએ 14,000 વનડે રન બનાવવાનો રેકોર્ડ પણ છે. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદીની ઈનિંગ રમી હતી. તેને 111 બોલમાં 100 રન બનાવ્યા. તેમના સિવાય શ્રેયસ ઐયરે 67 બોલમાં 56 રનની ઈનિંગ રમી.
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા, જેના જવાબમાં ભારતે 42.3 ઓવરમાં 244/4 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું.


