બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની હાર બાદ ઘણા નિયમો બદલાયા છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિદેશ પ્રવાસ પર પોતાની સાથે પર્સનલ સ્ટાફ લઈ જઈ શકતા નથી.
હાલમાં ભારતીય ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં છે. ભલે વિરાટ કોહલી પાસે પોતાનો પર્સનલ શેફ નથી, પરંતુ તેને દુબઈમાં પોતાનું મનપસંદ ભોજન ખાવાની એક નવી રીત શોધી કાઢી છે.
કોહલી માટે આવ્યું પાર્સલ
મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ ટ્રેનિંગ માટે મેદાન પર આવી તેના થોડા સમય પછી, કોહલીના નામે એક ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યું. પરંતુ BCCI એ પર્સનલ શેફ અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ ટીમ મેનેજર સમક્ષ પોતાની માંગણી મૂકી હતી જે પૂર્ણ પણ થઈ હતી. કોહલી માટે નજીકના એક પોપ્યુલર સ્થળેથી ફૂડ મંગાવવામાં આવ્યું.
ટ્રેનિંગ પૂર્ણ થયા પછી પણ ભોજનની વ્યવસ્થા
ભોજન અનેક બોક્સમાં પેક કરવામાં આવ્યું હતું, જે કોહલી ટ્રેનિંગ સેશન પૂર્ણ થયા પછી ખાવાનો હતો. જ્યારે અન્ય ખેલાડીઓ પોતાની કીટ બેગ પેક કરી રહ્યા હતા, ત્યારે કોહલી ખોરાક ખાઈ રહ્યો હતો. તેને મુસાફરી માટે એક બોક્સ પણ બચાવ્યું હતું.
બીસીસીઆઈની પોઈન્ટની પોલિસીમાં એક નવો નિયમ
બીસીસીઆઈની 10 પોઈન્ટની પોલિસીમાં એક નિયમ ઉમેરવામાં આવ્યો હતો કે ટીમ ઈન્ડિયાનો કોઈપણ ખેલાડી પોતાની સાથે પર્સનલ સ્ટાફ રાખી શકશે નહીં. કોઈપણ ખેલાડી પોતાની સાથે શેફ, સિક્યોરિટી ગાર્ડ કે કોઈપણ પ્રકારના આસિસ્ટન્ટને લઈ જઈ શકશે નહીં. બીસીસીઆઈ આ નિયમો પ્રત્યે એટલું ગંભીર છે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે રહેલા પર્સનલ આસિસ્ટન્ટને બીજી હોટલમાં રોકાવાનું કહેવામાં આવ્યું છે.


