ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સોમવારે પાકિસ્તાન પહોંચી હતી. ટૂર્નામેન્ટની શરૂઆત બુધવારે કરાચીમાં યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે, જેણે 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ટૂર્નામેન્ટની છેલ્લી સિઝનમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ ગદ્દાફી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોઈ પ્રેક્ટિસ મેચ રમશે નહીં.
ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ:
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીસ, સ્પેન્સર જોન્સન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, એડમ ઝામ્પા. રિઝર્વ : કૂપર કોનોલી.
ઓસ્ટ્રેલિયાની તાકાત શું છે?
ઓસ્ટ્રેલિયા સારી રીતે જાણે છે કે મોટી સ્પર્ધાઓના દબાણનો સામનો કેવી રીતે કરવો અને તેથી જ ODI વર્લ્ડ કપમાં તેના નામે છ ટાઈટલ, T20 વર્લ્ડ કપમાં એક અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે ટાઈટલ છે. આ જ કારણ છે કે તેને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં સૌથી ખતરનાક ટીમ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની બેટિંગ ઘણી મજબૂત છે. કેપ્ટન સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, જેક-ફ્રેઝર મેકગર્ક, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેનો કોઈપણ પરિસ્થિતિમાં મેચને પલટાવવા સક્ષમ છે.
ઓસ્ટ્રેલિયાની નબળાઈ શું છે?
કાંગારૂ ટીમ તેના ત્રણ મુખ્ય ઝડપી બોલરો પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક વિના રમશે, જેના કારણે તેનું આક્રમણ નબળું પડી ગયું છે. આવી સ્થિતિમાં તેના બેટ્સમેનોએ વધારાની જવાબદારી લેવી પડશે. ઓસ્ટ્રેલિયા પાસે 50 ઓવરના ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની તક છે અને તે આમ કરવામાં કોઈ કસર છોડશે નહીં. તેના ખેલાડીઓ રમતની સ્થિતિઓ અનુસાર રમવામાં માહિર છે અને ટીમનો ભૂતકાળનો રેકોર્ડ તેમના માટે પ્રેરણાનું કામ કરશે. ઓસ્ટ્રેલિયાને તાજેતરમાં શ્રીલંકા સામેની બે મેચની વનડે શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. લેબુશેન અને મેકગર્કનું ખરાબ ફોર્મ તેના માટે ચિંતાનો વિષય હશે.


