ચેમ્પિયન્સ ટ્રોફી માટે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ બને ટીમના ખેલાડીઓ પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પણ આ મહામુકાબલા માટે તૈયાર છે. આ ટક્કર માટે કરોડો રૂપિયા દાવ પર લાગ્યા છે. 9 માર્ચના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ માટે 30 કરોડ રૂપિયા દાવ પર લાગ્યા છે. અને જો આ સંજોગોમાં ટીમ ઇન્ડિયા હારી જશે તો મોટાપાયે નુકસાનની ભિતી રહેશે.
ઇન્ડિયા હારી તો થશે નુકસાન
આ કરોડો રૂપિયાના દાવ લગાવેલા ગણિત વિશે સમજીએ તો ફાઇનલની વિજેતા ટીમ અને રનર-અપ ટીમની કુલ રાશિ મળીને 29.23 કરોડ રૂપિયાની રકમ થાય છે. આમાંથી 19.49 કરોડ રૂપિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમને મળશે. અને રનર-અપ ટીમને 9.74 કરોડ રૂપિયા મળશે. અને બંને રકમ વચ્ચે 10 કરોડ રૂપિયાનો તફાવત છે. ટીમ ઇન્ડિયા જો ફાઇનલ હારશે તો 10 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે.
દુબઈમાં બધી મેચ જીતી, હવે ફાઇનલનો વારો
જોકે, અત્યાર સુધીની સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને ધ્યાનમાં લેતા, તેને કોઈ હારનો સામનો કરવો પડે તેવી આશા ઓછી છે. ભારત અત્યાર સુધીની બધી મેચ જીતીને ફાઇનલમાં પહોંચ્યું છે. અને, તેણે દુબઈમાં તે બધી મેચ રમી છે અને જીતી પણ છે. એનો અર્થ એ થયો કે જ્યાં ફાઇનલ થવાની હતી ત્યાં તેણે ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું છે. મોટી વાત એ છે કે ટુર્નામેન્ટ દરમિયાન દુબઈમાં જીતેલી ચાર મેચમાંથી એક મેચ ન્યુઝીલેન્ડ સામે પણ હતી, જે તેણે ગ્રુપ સ્ટેજમાં રમી હતી.
ફાઇનલમાં ન્યુઝીલેન્ડથી સાવધાન રહો!
દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો છે. પરંતુ, જ્યારે ICC ઇવેન્ટ્સની ફાઇનલની વાત આવે છે, ત્યારે ન્યુઝીલેન્ડ મજબૂત દેખાય છે. ન્યુઝીલેન્ડની ટીમે અત્યાર સુધીમાં ભારત સામે બે ICC ઇવેન્ટની ફાઇનલ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આ બેમાંથી એક વર્ષ 2000 ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ છે અને બીજી વર્ષ 2021 ની WTC ફાઇનલ છે.


