ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે, પરંતુ આ દરમિયાન તેને એક સારા સમાચાર મળ્યા છે. પેટ કમિન્સ બીજી વખત પિતા બન્યા છે. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે.
પેટ કમિન્સ બીજી વખત પિતા બન્યા
પેટ કમિન્સ અને તેની પત્ની બીજી વખત માતા-પિતા બન્યા છે. તેની પત્ની બેકીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. આ કારણે પેટ કમિન્સે શ્રીલંકા સાથે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી આરામ લીધો હતો. હવે કમિન્સ અને બેકીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે તેમની સૌથી મોટી ખુશી શેર કરી છે.
પેટ કમિન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
ટીમ ઈન્ડિયા સાથે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન પેટ કમિન્સ ઈજાગ્રસ્ત થયો હતો. કમિન્સને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થવું પડ્યું છે. કમિન્સનું ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવું ઓસ્ટ્રેલિયા માટે મોટો ફટકો છે. હવે ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટ માટે નવા કેપ્ટનની શોધમાં છે, જેમાં ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથના નામ સામે આવી રહ્યા છે.
જોશ હેઝલવુડ અને મિશેલ માર્શ પણ આઉટ
આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાનું ટેન્શન ઘણું વધી ગયું છે. ટીમના ઘણા મજબૂત ખેલાડીઓ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. જેમાં ઝડપી બોલર જોશ હેઝલવુડ અને ઓલરાઉન્ડર મિચેલ માર્શનું નામ પણ સામેલ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન હેઝલવુડના સ્નાયુ ખેંચાયા હતા હવે ઓસ્ટ્રેલિયાએ ટીમમાં ઘણા મોટા ફેરફારો કરવા પડશે.


