- ચંદીગઢ મેયર ચૂંટણીને લઈને આપ-કોંગ્રેસે સુપ્રીમમાં અરજી કરી હતી
- રિટર્નિંગ ઓફિસર સીસીટીવી કેમેરામાં બેલેટપેપર પર ક્રોસ કરતાં દેખાયા
- મેયર મનોજ સોનકરે ગઈકાલે જ સુનાવણી પહેલાં રાજીનામું આપી દીધું
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકર જીત્યા હતા, પરંતુ ચૂંટણી બાદ મતગણતરી દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રિટર્નિંગ ઓફિસર સીસીટીવી કેમેરા જોતા જોવા મળ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી અને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો. આજે કોર્ટમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે બેલેટ પેપર પર ક્રોસ લગાવ્યો હતો.
ચંદીગઢ મેયર ચૂંટણીને લઈને આપ-કોંગ્રેસે સુપ્રીમમાં અરજી કરી હતી
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોએ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો વાયરલ વીડિયો સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો, જેના પછી CJI DY ચંદ્રચુડ ચૂંટણી અધિકારી પર ગુસ્સે થયા હતા. આજે કોર્ટમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું હતું.
રિટર્નિંગ ઓફિસરે કબુલાત કરી
બેન્ચે આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને પૂછ્યું કે શું તેમણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું છે કે નહીં. અનિલ મસીહે, જે રિટર્નિંગ ઓફિસર હતા, તેણે કબૂલાત કરી હતી કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવાર આવીને બેલેટ પેપર લઈને ફાડીને ભાગી ગયો હોવાથી તેણે આવું કર્યું હતું.
આ પહેલા શું થયું?
આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર નેહા મુસાવત, ગુરચરણ કાલા અને પૂનમ દેવી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. જે બાદ હવે મેયરની ચૂંટણીનો આખો નંબર બદલાઈ ગયો છે. હવે મેયરની ચૂંટણી માટે ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મેયર મનોજ સોનકરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હકીકતમાં, સર્વોચ્ચ અદાલતે પહેલાથી જ ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકી દીધો હતો.
30 જાન્યુઆરીએ શું થયું?
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજાઈ હતી, તે સમયે ભાજપના 14 કાઉન્સિલર હતા. સંખ્યાની દૃષ્ટિએ ભાજપ સૌથી મોટો પક્ષ હતો. તે પછી આમ આદમી પાર્ટી પાસે 13 ધારાસભ્યો હતા જ્યારે કોંગ્રેસ પાસે 7 ધારાસભ્યો હતા. આ સિવાય એક કાઉન્સિલર શિરોમણી અકાલી દળના છે. ચંદીગઢના સાંસદે પણ પોતાનો મત આપ્યો. મેયરની ચૂંટણી AAP-કોંગ્રેસ સંયુક્ત રીતે લડી હતી. આ હિસાબે AAPનો મેયર બનવો જોઈતો હતો, પરંતુ AAP-કોંગ્રેસના 8 મત રદ થતાં 16 મત મેળવનાર ભાજપ મેયર બન્યો હતો. આ પછી AAP અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મેયરની ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર રહેલા અનિલ મસીહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને AAP અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો.
SCએ રિટર્નિંગ ઓફિસરને ફટકાર લગાવી હતી
ચંદીગઢના મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. કથિત હેરાફેરી અંગે કોંગ્રેસ અને AAPની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી અને બેલેટ પેપર સીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે મેયરની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર રહેલા અનિલ મસીહને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે તેણે (પ્રિસાઇડિંગ ઓફિસર) બેલેટ પેપર બગાડ્યા હતા. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ લોકશાહીની મજાક છે. લોકશાહીની હત્યા થઈ રહી છે, અમને નવાઈ લાગે છે.
18 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની હતી
ચંદીગઢમાં મેયરની ચૂંટણી અગાઉ 18 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ અનિલ મસીહ કથિત રીતે બીમાર પડ્યા હતા. જેના કારણે ચૂંટણી મોકૂફ રાખવી પડી હતી. બાદમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ચૂંટણીની તારીખ 30 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. સીસીટીવી દ્વારા પણ ચૂંટણી પર નજર રાખવામાં આવી હતી પરંતુ ચૂંટણીમાં કથિત રીતે ગેરરીતિ થઈ હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણી રદ કરવાની તેમજ મેયરની ચૂંટણી ફરીથી કરાવવાની માંગણી કરી હતી.


