- રાજ્યમાં ચાંદીપુરાના કુલ 148 શંકાસ્પદ કેસ નોંધાયા
- સૌથી વધુ સાબરકાંઠામાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા
- રાજ્યમાં અત્યાર સુધી 60 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થયો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 148 શંકાસ્પદ કેસ નોંધાયા છે અને સૌથી વધુ સાબરકાંઠામાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 56 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 61 મોત થયા છે. હોસ્પિટલમાં 27 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 60 દર્દીઓ સાજા થયા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 10 દર્દીઓ દાખલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 10 દર્દીઓ દાખલ થયા છે. જેમાં 10 દર્દીઓ પૈકી ચાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે. તેમજ મોરબીના સાત મહિનાના અને પડધરીમાં ત્રણ વર્ષના બાળકની અંદર ચાંદીપુરાના લક્ષણ દેખાતા દાખલ કરાયા છે.
સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસે બાળકનો લીધો ભોગ
ત્યારે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસે 11 વર્ષના બાળકનો ભોગ લીધો છે. વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના પગલે મોત થયુ છે. 2 દિવસ પહેલા 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને રાજકોટની હોસ્પિટલમાં બાળકને સારવાર માટે રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે અને હજુ પણ 3 બાળકો સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે. ચાંદીપુરાના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.
ગુજરાતમાં સૌથી વધુ ચાંદીપુરાના કેસ
ચાંદીપુરા વાયરસને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયે રિપોર્ટ બનાવ્યો છે. જેમાં દેશમાં ચાંદીપુરા વાયરસના કુલ 148 કેસ નોંધાયા છે અને દેશમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના કેસ ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાતમાં 140થી વધુ કેસ નોંધાયા છે અને ચાંદીપુરા વાયરસના કારણે ગુજરાતમાં 59 દર્દીઓના મોત થયા છે. 59 મોતમાંથી 51 મોતમાં વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે.


