ગોંડલના રાણસિકા ગામના શ્રમિક પરિવારના બે બાળકોના મોત
પડધરીની સાત વર્ષની બાળકી અને ગોંડલના રાણસિકીથી સાત માસનું બાળક સારવાર હેઠળ આવ્યા હતા : 3 માસના બાળકનું રાણસિકી ગામે મોત થતાં સરપંચની રજૂઆતથી આરોગ્ય તંત્ર દોડી ગયું
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો વધ્યો છે. દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ વાયરસને ડામવા માટે સઘન પગલાંઓ હાથ ધરાયા છે છતાં બાળકો આ વાયરસની જપતે ચડી રહ્યાં છે. રાજકોટ ખાતે અગાઉ પાંચ બાળકોના મોત થયા બાદ ગઈકાલે વધુ બે શંકાસ્પદ બાળકો સરકારી હોસ્પિટલે દાખલ થતા તંત્રએ સેમ્પલ લઇ ગાંધીનગર પૃથક્કરણ માટે મોકલ્યા હતા. તે પૈકી ગોંડલ તાલુકાના રાણસીકી ગામના સાત માસના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ જ ગામના શ્રમિક પરિવારના ત્રણ માસના બાળકનું રાણસીકી ગામે મોત નીપજ્યું છે. જે માહિતી મળતા ગોંડલ તાલુકાનું આરોગ્યતંત્ર રાણસીકી ગામે દોડી ગયું છે.
ગુજરાતના અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો થઈ રહ્યો છે. ખાસ કરી આ વાયરસ માખીમાંથી ફેલાતો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરતા બાળકોમાં આ ઝડપથી ફેલાય છે. અગાઉ હિમતનગર પાલનપુર સુરત રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને 20 થી 22 જેટલા બાળકો આ વાયરસના કારણે મોતને ભેટ્યા છે ત્યારે તંત્રએ વાઇરસને ડામવા માટે જરૂરી પગલાઓ લેવાનું શરૂ કરી દીધું છે. છતાં ધીમે ધીમે બાળકો આ વાયરસની જપેટમાં આવી રહ્યા છે. થોડા સમય પૂર્વે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસના પાંચ જેટલા બાળકો મોતને ભેટી ચુક્યા છે અને હાલ ચાર જેટલા બાળકો સારવાર હેઠળ છે.
તેવા સમયે ગઈકાલે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ગોંડલના રાણસિકી ગામે સીમમાં આવેલી વાડીએ મજૂરી કામ કરતાં મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારનું સાત માસનું બાળક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવ્યું હતુ .આ પરિવાર એક મહિના પહેલા મધ્યપ્રદેશથી પરત ફર્યો છે અને ત્યાંથી તેને સંક્રમણ લાગ્યું હોય તેવી શક્યતા વર્તાઈ રહી હતી. ઉપરાંત જરૂરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પડધરીથી પણ પરપ્રાંતિય પરિવારની સાત વર્ષની બાળકીને રાજકોટની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તે બાળકીમાં પણ શંકાસ્પદ ચાંદીપુરનો વાયરસ જોવા મળી રહ્યો છે. આથી આ બાળકીના પણ લોહીના નમુના લઇ પૃથ્થકરણ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. હાલ રાજકોટની સરકારી હોસ્પિટલમાં છ શંકાસ્પદ કેસો આવી ચૂકયા છે. તેઓની સારવાર ખાસ ઉભા કરેલા વોર્ડમાં શરૂ કરી દેવામાં આવી છે.
આ સમય દરમિયાન વહેલી સવારે રાણસીકી ગામથી આવેલા શ્રમિક પરિવારના સાત માસના બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાણસીકી ગામના સરપંચ નિર્મળાબેન ના પતિ ઘનશ્યામભાઈ કાછડીયાએ અગ્ર ગુજરાત સાથેની વાંચતીતમાં જણાવ્યું હતું કે રાણસીકી ગામની સીમમાં આવેલી વાડીમાં ત્રણ શ્રમિક પરિવારો સાથે રહી ખેત મજૂરી કરે છે તે પૈકી એક સાત માસના બાળકને ગઈકાલે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જેનું હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે આ જ પરિવારના ત્રણ માસના બીજા બાળકનું રાણસીકી ગામે મોત નીપજયું છે. આમ એક જ પરિવારના બે ભાઈઓના બે સંતાનોના મોત નીપજ્યા છે. જેનાથી રાણસીકી ગામમાં ભારે ફાફડાટ ફેલાયો છે. આ બારામાં ગોંડલ તાલુકા આરોગ્યતંત્રને જાણ કરાતા ગોંડલ અને દેરડી થી આરોગ્ય તંત્રની ટીમ રાણસીકી ગામે દોડી આવી છે હાલ ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આ શ્રમિક પરિવારના બાળકો સાથે અન્ય એક પરિવારના બાળકો પણ રહેતા હોવાથી તેઓની પણ તપાસ કરી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.