કંપનીની ભરતી ભરણીમાં આવતી વડવાજડીની નદીમાં કબજો જમાવવાની પેરવી હતી
મલ્ટી નેશનલ કંપની બાલાજી વેફર્સે કંપનીની બાજુમાં જ આવેલી નદીમાં દબાણ કરી નાંખ્યુ હોવાનો ઘટસ્ફોટ થયા બાદ અંતે આ દબાણ દૂર કરવામા આવ્યુ છે. નદીના વહેણને અવરોધ થાય એ રીતે કંપનીના અંગત ઉપયોગ માટે હંગામી બાંધકામ ખડકી નાંખ્યુ હતુ. કંપનીના માલિક ચંદુભાઇ વિરાણીની દાનત છાપરે ચડીને પોકારતા અંતે તેના પર ચાર હાથ રાખનાર સ્થાનિક પ્રશાસનને મને કમને દબાણ દૂર કરવાની ફરજ પડી છે.
બાલાજી વેફર્સના પ્રા.લિ.કંપનીના માલિક ચંદુભાઇ વિરાણીએ ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૯૭૯ની કલમ-૬૫ હેઠઇ બીનખેતી(ઔદ્યોગિક એકમ) નં.૧૧૫૨/૦૯/૦૭/૦૦૬/૨૦૨૨ (તા.૦૬/૧૦/૨૦૨૨)ના હુકમમાં જણાવેલી શરતો તેમજ કલેકટર કચેરી મહેસુલ શાખાના હુકમનો પણ ઉલાળ્યો કરી કંપનીની બાજુમાં આવેલી નદી જાણે પોતાની ઘરની પેઢી હોય તેમ હજમ કરી લેવાની દાનત રાખી હતી. નદીમાં દબાણ કરી નાંખ્યુ હતુ. આ અંગે વડ વાજડીના એક જાગૃત નાગરિકે બાલાજી વેફર્સના આ દબાણ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
બાલાજીના માલિક ચંદુભાઇ વિરાણી ઉપર સ્થાનિક પ્રશાસનના ચાર હાથ હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો હતો. અંતે તંત્રને રેલો આવતા આજે સવારથી બાલાજી દ્વારા થયેલા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામા આવી હતી.
માલિક વિરાણી સામે લેન્ડ ગ્રેબીંગ થશે?
સામાન્ય કેસમાં કોઇએ સરકારી જમીનમાં પેશકદમી કરી હોય તો તેની સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાય છે. અહીં તો બાલાજી વેફર્સના માલિક ચંદુભાઇ વિરાણીએ આખે આખી નદી પર કબજો જમાવવાની પેરવી કરી હતી. સ્થળ પર પુરાવા પર મોજુદ હતા. હવે જોવાનું એ રહ્યુ કે, બાલાજી વેફર્સના માલિક ચંદુભાઇ વિરાણી સામે લેન્ડ ગ્રેબીંગન ગુનો નોંધાશે?