– યોજનાની કામગીરીને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવા ભરાયેલું પગલુ
Updated: Oct 13th, 2023
અમદાવાદ : કેન્દ્ર સરકારે એર કંડિશનર અને એલઈડી લાઇટ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફારો આ યોજનાની કામગીરીને સરળ બનાવવા અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એર કંડિશનર અને એલઈડી લાઇટને સામાન્ય રીતે ‘વ્હાઈટ ગુડ્સ’ પણ કહેવામાં આવે છે.
જે ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે તેમાં પાત્રતા નક્કી કરવા માટેના રોકાણ સંબંધિત નિયમો, પ્રોત્સાહનોની ફાળવણી માટેના દાવા સબમિટ કરવા માટે સમય મર્યાદામાં વધારો, વહીવટી મંત્રાલયને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સની મુલાકાત લેવાની પરવાનગી, વધારાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા માટેનો સમયગાળો વિસ્તરણ વગેરેનો સમાવેશ થાય છે. લાભાર્થીઓ અને ઉદ્યોગ સંગઠનો તરફથી મળેલા વિવિધ સૂચનોના આધારે આ ફેરફારો કરવામાં આવ્યા છે.
પ્રોત્સાહક રકમના દાવા અને ફાળવણી માટેની પાત્રતા ડીપીઆઈઆઈટી દ્વારા જારી કરાયેલ સુધારેલી માર્ગદર્શિકા અનુસાર પ્રોજેક્ટ મોનિટરિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. આ એજન્સીઓ યોજનાના અમલીકરણની જવાબદારી સંભાળે છે. જૂથ કંપનીઓને પોતાના ઉપયોગ અથવા સપ્લાયના કિસ્સામાં, કિંમત નક્કી કરવા માટે તુલનાત્મક અનિયંત્રિત કિંમતને બદલે ‘કોસ્ટ-પ્લસ’ પદ્ધતિ અપનાવવામાં આવશે.
આ યોજનાના સમયગાળા દરમિયાન હાલની બેંક ગેરંટી સમાપ્ત થાય તે પહેલાં લંબાવવામાં આવશે. અત્યાર સુધી આ જોગવાઈને મંજૂરી નહોતી. પ્રોત્સાહનોની ફાળવણી સંબંધિત દાવાઓ સંબંધિત નાણાકીય વર્ષમાં ૩૧ ઓક્ટોબરના બદલે ૧૫ જાન્યુઆરી સુધીમાં કરવાના રહેશે. તમામ સંબંધિત દસ્તાવેજો સાથે વધારાની સ્થાન માહિતી હવે ૨ વર્ષની જગ્યાએ ૩ વર્ષના સમયગાળા માટે સબમિટ કરી શકાય છે.