ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ પોતાના વિજયની રિધમને જાળવી શક્યો નહોતો અને તેને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડિંગ લિરેન સામે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના 12મા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. ગુકેશના પરાજય સાથે બંને ખેલાડીઓ વચ્ચેનો સ્કોર 6-6થી સરભર થયો હતો.
18 વર્ષીય ગુકેશે રવિવારે 11મા રાઉન્ડમાં વિજય હાંસલ કરીને એક પોઇન્ટની લીડ મેળવી હતી પરંતુ ચાઇનીઝ ખેલાડી ટૂર્નામેન્ટમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યો હતો. બંને વચ્ચેની સતત સાત બાજી ડ્રો રહી હતી. 11મા રાઉન્ડમાં પરિણામ આવ્યું હતું પરંતુ લિરેને સોમવારના મુકાબલામાં ભારતીય ગ્રાન્ડમાસ્ટરને ચોમેરથી ઘેરીને પરાજય આપવામાં સફળ રહ્યો હતો. બંને ખેલાડીઓ હવે ટાઇટલથી 1.5 પોઇન્ટ દૂર છે.જો 14 રાઉન્ડ સમાપ્ત થયા બાદ સ્કોર સરભર રહેશે તો વિજેતાનો નિર્ણય ફાસ્ટર ટાઇમ કન્ટ્રોલ દ્વારા કરવામાં આવશે. બંને વચ્ચેના આગામી બંને મુકાબલા બુધવારે અને ગુરુવારે રમાશે. મંગળવારે બંનેને આરામ આપવામાં આવ્યો છે.


