ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ડિંગ લિરેન વચ્ચે બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના 13મા રાઉન્ડનો મુકાબલો રમાશે ત્યારે બંને ખેલાડી એકબીજા સામે લીડ મેળવવાના તમામ પ્રયાસ કરશે. ગુકેશે ડ્રોનો સિલસિલો તોડીને રવિવારે 11મા રાઉન્ડમાં વિજય મેળવીને લીડ હાંસલ કરી હતી.
લિરેને સોમવારે 12મા રાઉન્ડમાં વળતો પ્રહાર કરીને ગુકેશનને હરાવવાની સાથે સ્કોર સરભર કર્યો હતો. બંને ખેલાડીઓ હાલમાં છ-છ પોઇન્ટ સાથે સરભર છે. બંનેમાંથી એક પણ ખેલાડી લાંબા સમય સુધી લીડને જાળવી શક્યો નથી. મંગળવારે બંને ખેલાડીઓને બ્રેક આપવામાં આવ્યો હતો અને 14 રાઉન્ડના મુકાબલામાં જે ખેલાડી 7.5 પોઇન્ટ સુધી પહેલો પહોંચશે તે વર્લ્ડ ચેમ્પિયન બની જશે. 14 રાઉન્ડ બાદ જો સ્કોર સરભર રહેશે તો ટાઇબ્રેકરનો સહારો લેવામાં આવશે. વિજેતા નક્કી કરવા માટે ફાસ્ટર ટાઇમ કન્ટ્રોલનો ઉપયોગ કરવામાં આવશે. ગુકેશ બુધવારે વ્હાઇટ મ્હોરાંથી રમશે અને તે ક્લાસિકલ ફોર્મેટમાં રમાનારી આ મેચમાં આક્રમક અભિગમ અપનાવશે. બંનેમાંથી જે ખેલાડી ધીરજ રાખશે તે ફાયદામાં રહેશે.


