- પૂજારાને સાઉથ આફ્રિકા ટીમ માટે કરાયો ટીમથી બહાર
- આ પહેલા પણ સસેક્સ માટે રમી ચૂક્યા છે 7 મેચ
- પૂજારાના પરત આવતા ટીમના હેડકોચ પૉલ ફારબ્રેસ ખુશ
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ હાલમાં કદાચ તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી છે. મળી રહેલી માહિતી અનુસાર પુજારાને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો છે. ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર યજમાન ટીમ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડ તરફ વળ્યો છે. પૂજારા આ પહેલા પણ સસેક્સ તરફથી રમી ચૂક્યો છે. તે 2024 કાઉન્ટી ચેમ્પિયનશિપ સિઝનમાં સસેક્સ માટે પ્રથમ 7 મેચ રમશે.
સસેક્સ માટે અત્યાર સુધીમાં 18 મેચ રમી છે
પૂજારા સસેક્સ માટે અત્યાર સુધીમાં 18 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 64.24ની સરેરાશથી કુલ 1863 રન બનાવ્યા છે જેમાં 8 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે. સસેક્સમાં ફરી જોડાયા બાદ ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે તે આગામી સિઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. પૂજારાના કહેવા પ્રમાણે ‘છેલ્લી કેટલીક સીઝનમાં મેં આ ક્લબ સાથે ઘણો આનંદ લીધો છે. સસેક્સ પરિવારમાં પાછા ફરવાથી હું ખૂબ જ ખુશ છું. હું ટીમ સાથે જોડાવવા અને તેની સફળતામાં યોગદાન આપવા તૈયાર છું.
ક્લબના મુખ્ય કોચે પૂજારાને વધુ સારો વ્યક્તિ ગણાવ્યો
પૂજારાની ક્લબમાં વાપસીથી ટીમના મુખ્ય કોચ પોલ ફાર્બ્રેસ ખૂબ જ ખુશ છે. ફારબ્રેસે કહ્યું કે ચેતેશ્વર પૂજારાની 2 મહિના સુધી ક્લબમાં વાપસીથી હું ઘણો ખુશ છું. હું તેમનું સ્વાગત કરું છું. ફારબ્રેસના મતે, ‘તે માત્ર એક મહાન ખેલાડી જ નહીં પરંતુ તે એક સારો વ્યક્તિ પણ છે. તેમનો બહોળો અનુભવ ટીમ માટે ઉપયોગી થશે.
પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
35 વર્ષીય જમણા હાથના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા છેલ્લે જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમ્યો હતો. તે પ્રથમ દાવમાં માત્ર 14 રન અને બીજી ઈનિંગમાં 27 રન જ બનાવી શક્યો હતો. તેણે 103 ટેસ્ટ મેચમાં 43.60ની એવરેજથી કુલ 7195 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. આ સમયગાળા દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 206 રન છે. આ સિવાય તેણે 5 વનડેમાં 51 રન બનાવ્યા છે.


