છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સોમવારે સુરક્ષા દળો સાથેના અથડામણમાં બે મહિલા નક્સલીઓને ઠાર કરવામાં આવી છે. પોલીસે એમ પણ કહ્યું કે એન્કાઉન્ટરમાં કોબ્રા (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)ના એક કમાન્ડોને ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત પણ થયો છે. તમને જણાવી દઈએ કે કોબ્રા એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અથવા CRPFની એક ખાસ યુનિટ છે.
ઘાયલ સૈનિકની રાયપુરમાં સારવાર કરવામાં આવી
ગારિયાબંદના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ઘાયલ જવાનને સારવાર માટે રાયપુર લઈ જવામાં આવ્યો છે અને તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જંગલમાં સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી ત્યારે અથડામણ થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ નક્સલ વિરોધી કામગીરીમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), CRPF, છત્તીસગઢના કોબ્રા અને ઓડિશાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનો સામેલ હતા. ગોળીબાર બંધ થયા પછી ઘટનાસ્થળેથી બે મહિલા નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એસપીએ જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.
અત્યાર સુધીમાં 28 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા
આ સાથે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 28 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીએ રાજ્યના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. માઓવાદીઓએ બાદમાં એક નિવેદનમાં સ્વીકાર્યું કે 16 જાન્યુઆરીના એન્કાઉન્ટરમાં 18 નક્સલીઓ માર્યા ગયા હતા. ગયા વર્ષે સુરક્ષા દળોએ રાજ્યમાં અલગ અલગ એન્કાઉન્ટરમાં 219 નક્સલીઓને ઠાર કર્યા હતા.