- પદ્મશ્રી વિજેતા -પ્રખ્યાત પુરાતત્વવિદ ડૉ.અરુણ કુમાર શર્માનું નિધન
- રાયપુર સ્થિત તેમના ઘરે લીધા અંતિમ શ્વાસ
- રામ જન્મભૂમિ નિર્માણના કેસમાં રજૂ કર્યા હતા મહત્વના પુરાવા
પદ્મશ્રી વિજેતા અને પ્રખ્યાત પુરાતત્વવિદ્ ડૉ. અરુણ કુમાર શર્માનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેમણે છત્તીસગઢની રાજધાની રાયપુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. ડો. અરુણ કુમાર શર્મા એ ટીમના સૌથી વરિષ્ઠ સભ્ય હતા જેણે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રામ જન્મભૂમિ અયોધ્યા સ્થળ પર ખોદકામ કર્યું હતું અને એક અહેવાલ રજૂ કર્યો હતો કે મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.
પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા 2017માં ડૉ.અરુણ કુમાર શર્માને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રાયપુર જિલ્લાના ચાંદખુરીમાં 12 નવેમ્બર 1933ના રોજ જન્મેલા શર્માએ 1958માં સાગર યુનિવર્સિટીમાંથી એમએસસી (એન્થ્રોપોલોજી) પૂર્ણ કર્યું અને એક વર્ષ પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)માં જોડાયા હતા.
છત્તીસગઢના પુરાતત્વીય સલાહકાર
ASIમાં જોડાયા પછી, તેમણે આર્કિયોલોજીમાં બે વર્ષ ડિપ્લોમા કર્યુ અને તે વર્ષે ઓલ ઈન્ડિયા ટોપર રહ્યા.. જેના માટે તેમને મૌલાના અબુલ ગોલ્ડ મેડલ મળ્યો હતો. 33 વર્ષની સેવા પછી, તેઓ 1992 માં ASI નાગપુરના અધિક્ષક પુરાતત્વવિદ્ તરીકે નિવૃત્ત થયા. 1994 થી તેઓ છત્તીસગઢ સરકારના પુરાતત્વીય સલાહકાર હતા.
પિતાએ એકત્રિત કરેલા પુરાવા HCએ સ્વીકાર્યા- મનીષ શર્મા
અરુણ શર્માના પુત્ર મનીષ શર્માએ જણાવ્યું કે તેમના પિતાએ ગુરુવારે વહેલી સવારે રાજ્યની રાજધાની રાયપુરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ 91 વર્ષના હતા. રાજ્યના પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ અરુણ કુમાર શર્માએ અયોધ્યામાં વિવાદિત સ્થળ પર હિન્દુ મંદિરના અસ્તિત્વના સમર્થનમાં પુરાતત્વીય પુરાવા એકત્રિત કર્યા હતા. મનીષ શર્માએ કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર સુનાવણી દરમિયાન તેમના પિતા દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાને પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.
સીએમ વિષ્ણુદેવ સાંઈએ શોક વ્યક્ત કર્યો
ડૉ. અરુણ કુમાર શર્માનું નિધન થતા છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે સિરપુર (છત્તીસગઢનું એક મુખ્ય પુરાતત્વીય સ્થળ)નું ખોદકામ તેમના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ સેતુ અને રામ મંદિરના પુરાતત્વીય મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય મહત્વપૂર્ણ હતો. ભગવાન તેમના આત્માને શાંતિ અને તેમના પરિવાર અને શુભચિંતકોને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. પુરાતત્વના ક્ષેત્રમાં ડૉ. અરુણ શર્માજીના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.


