- જેની પોતાની કોઈ ગેરંટી નથી તેની ગેરંટી કોણ સ્વીકારશે?: શાહ
- શિક્ષણનું હબ ગણાતો જિલ્લો લવ જેહાદનું કેન્દ્ર બન્યો
- ભાજપની સરકાર બનશે તો કોઈ લવ જેહાદનું વિચારશે પણ નહિ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર નિશાન સાધતા કહ્યું કે બઘેલના શાસનમાં રાજ્યનો બેમેતરા જિલ્લો લવ જેહાદનું કેન્દ્ર બની ગયો છે.
જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “ભુપેશ કાકાના શાસનમાં દરરોજ માતાઓ અને બહેનો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યા છે. અમે ગેરંટી આપી છે કે જો કમલની સરકાર બનશે તો મહતારી વંદન યોજના હેઠળ મહિને 12 હજાર રૂપિયા આપવામાં આવશે. ભૂપેશ કાકાને ખબર છે કે તેઓની સરકાર ફરી બનવાની નથી, તેથી તેમણે કંઈક વધુ આપવાની જાહેરાત કરી, પરંતુ જેની પોતાની કોઈ ગેરંટી નથી તેની ગેરંટી કોણ સ્વીકારશે?
અમિત શાહે કહ્યું કે ભાજપની રમન સરકારમાં બેમેતરા જિલ્લો શિક્ષણનું હબ હતો પરંતુ બઘેલની સરકારમાં તે લવ જેહાદમાં ફેરવાઈ ગયો છે. પરંતુ આ વખતે જો રાજ્યમાં ભાજપની સરકાર આવશે તો લવ જેહાદને પ્રોત્સાહન આપવાની કોઈની હિંમત નહીં થાય. મહત્વનું છે કે ભાજપે ભુવનેશ્વર સાહુના પુત્ર ઈશ્વર સાહુને સજા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભુવનેશ્વર સાહુનું ગયા વર્ષે એપ્રિલમાં કોમી અથડામણમાં મોત થયું હતું.
અમિત શાહે કહ્યું કે ઈશ્વર સાહુ માત્ર ઉમેદવાર નથી પણ ન્યાય માટેની લડાઈના પ્રતીક પણ છે. ભૂપેશના શાસન દરમિયાન સાંપ્રદાયિક તત્વોએ ભુવનેશ્વર સાહુની હત્યા કરી હતી. ભૂપેશ કાકાએ ઇશ્વર સાહુને ચેક અને નોકરીની ઓફર કરી હતી જેથી તેઓ ન્યાયની ઇચ્છા છોડી દે. પરંતુ હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે ન્યાય માટેની લડત ન છોડી.