છત્તીસગઢના ભિલાઈ શહેરમાં EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના ઘરેથી અધિકારીઓ બહાર નીકળી રહ્યા હતા, તે સમયે ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ભૂપેશ બઘેલના ઘરે દરોડા પડવાને લઈને તેમના સમર્થકો વિરોધ કરતા જોવા મળ્યા હતા અને દરોડા બાદ જ્યારે ઈડીની ટીમ ઘરની બહાર આવવા લાગી, ત્યારે લોકોએ તેમના પર પથ્થમારો કર્યો છે.
ED ટીમ પર ઈંટ અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો
EDના સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સી આ કેસમાં FIR પણ દાખલ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED ટીમ પર ઈંટ અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED વાહનની આગળ અને પાછળ એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. બઘેલના નિવાસસ્થાનમાંથી એક અધિકારી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે EDના વાહન પર પથ્થરમારો થયો છે.
14થી વધુ સ્થળો પર ઈડીના દરોડા
તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોમવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ કેસ સંબંધિત કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના પરિસરમાં તેમજ રાજ્યમાં અન્ય કેટલાક વ્યક્તિઓ સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ વહેલી સવારે ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે.
મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને તપાસ
ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. તેના ફોટોગ્રાફ્સ ઘણીવાર ખેતરોમાંથી આવ્યા છે, જે દર્શાવે છે કે તેને ખેતી પણ પસંદ છે. ચૈતન્યના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની ખ્યાતી પણ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. છત્તીસગઢમાં કુલ 14 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે. તેની કડીઓ દારૂના કૌભાંડ સાથે પણ જોડાયેલી હોવાનું કહેવાય છે.