- છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર
- નવા નીર આવતા આડબંધ ઉપરથી પાણી વહ્યું
- મધ્ય પ્રદેશના વરસાદના પગલે આવ્યા નવા નીર
ઉપરવાસમાં મધ્યપ્રદેશ પડેલ વરસાદને પગલે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે.છોટાઉદેપુર જિલ્લાની જોવાદોરી ઓરસંગ નદીમાં નવા નીર આવતા આડબંધ ઉપરથી પાણી વહ્યાં રહ્યાં છે.ગઈકાલે છોટાઉદેપુર તેમજ ઉપરવાસ મધ્ય પ્રદેશમાં પડેલ વરસાદને પગલે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં કેટલાક ઠેકાણે ધીમીધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુરની સુકતા નદીમાં પાણી આવ્યું છે.
વહેલી સવારથી વાતાવરણમાં પલટો
છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચલામલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સાપણ અને સુકતા નદીમાં નવાં નીર આવ્યાં
ઉપરવાસના મધ્ય પ્રદેશમાં રાત્રી દરમિયાન ભારે વરસાદને પગલે કવાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. ચોમાસાના આગમન પહેલાં જ કવાંટના ઉમઠી ગામની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે. છોટા ઉદેપુર જિલ્લાની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસના મધ્ય પ્રદેશમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે દેવહાંટ ખાતેથી પસાર થતી સુકતા નદીમાં નવા નીર આવ્યા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહમાં રાજ્યભરનું તાપમાન ઘટ્યું છે, પરંતુ તેમ છતાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેતા લોકો ગરમીથી ત્રાહિ મામ્ પોકારી રહ્યા છે. એની સામે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.


