રાજકોટમાં હવે નાના ભુલકાંઓ જે મોજથી આરોગતા હોય છે તેવી ચોકલેટ કોઇ લેબલ વગર વેચવાનું કારસ્તાન ઝડપાયુ છે. મનપા સૂત્રો અનુસાર રામનાથપરામાં પ્રો.મયુર મુરલીધર ચંદનાનીની પેઢી લક્ષ્મી સ્ટોર્સમાં ચેકીંગ કરતા ચોકલેટનો અખાદ્ય શંકાસ્પદ જણાતો ૧૨૮૬ કિલો જથ્થો મળી આવ્યો હતો.
ફૂડ વિભાગે જણાવ્યા મુજબ ઉપરોકત સથળે બે ત્રણ વર્ષથી ચોકલટ વગેરેનો જથ્થાબંધ વેપાર કરાય છે. જેમાં ચેકીંગ કરતા અનેક ચોકલેટ ઉપર કોઇ લેબલ કે ન્યુટ્રીશિયન્સની વિગત કે ચોકલેટ શેમાંથી બનેલી છે તેની કોઇ વિગત જ ન્હોતી. કેટલાક લેબલ ઉપર ચેડાં કરાયાનું જણાતું હતું. બાળકોને ખાવા માટે તે જોખમી જણાતા સ્થળ ઉપર કચરાગાડી બોલાવીને તેની સાથે આ ચોકલેટનો જથ્થો નાશ કરાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
સ્થળ ઉપર તપાસ કરાતા ચોકલેટ, નમકીન વગેરેનો થોકબંધ જથ્થો મળી આવ્યો હતો. આવી ચોકલેટ હજારો લોકોને વેચાઇ હોવાની શકયતા પણ જણાઇ છે. જો કે મનપાએ હજુ સીલીંગ સહિત કાર્યવાહી કર્યાનું જણાવ્યું નથી. ઉલ્લેખનીય છે કે નફાની લ્હાયમાં ફૂડ સેફટી એકટ હેઠળના નિયમોની અવગણના કરીને શહેરમાં હવે જથ્થાબંધ ખાદ્યચીજોનું વેચાણ થાય છે. ત્યારે પોતાના સંતાનોના સ્વાસ્થય માટે ચિંતિત લોકોએ જાતે સજાગ થવાની જરૂરીયાત સર્જાઇ છે.