- ચિલીમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો
- ચિલી જંગલમાં આગને લીધે હજી ખુવારી વધી શકે છે
- મોતનો આંક હજી વધશે, ઈમરજન્સી લાગુ કરવામાં આવી
ચિલીના જંગલોમાં લાગેલી હજી આગ કાબૂ બહાર છે. મળતી માહિતી અનુસાર ચિલી અગ્નિકાંડમાં મૃત્યુઆંક 112એ પહોંચી ગયો છે. જેમાંથી માત્ર 32 મૃતકોની ઓળખ થઈ શકી હતી. ચિલીના દરિયાકાંઠાના શહેરો ધુમાડાથી ભરેલા છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેના કારણે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. ફોરેસ્ટ્રી ઓથોરિટીએ રવિવારે દેશભરમાં આગની 159 ઘટનાઓ નોંધી હતી.
ચિલીમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો
રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે રવિવારે અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. તેમણે જાહેરાત કરી કે આગ પીડિતોના માનમાં સોમવાર અને મંગળવારે રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. બોરીકે તેને 2010ના ભૂકંપ પછીની સૌથી ખરાબ દુર્ઘટના ગણાવી હતી. ત્યારે 520 થી વધુ લોકો માર્યા ગયા હતા.તેમણે એમ પણ કહ્યું હતું કે મૃત્યુઆંક વધુ વધશે.
300 લોકો હજુ પણ ગુમ છે
ગૃહપ્રધાન કેરોલિના તોહાએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. તેમણે કહ્યું કે 300 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. તોહાએ કહ્યું કે એવા પુરાવા છે કે વાલપરાઈસો નજીક આગ જાણી જોઈને લગાડવામાં આવી હતી.
ઘણા શહેરોમાં કર્ફ્યૂ લાદવો પડયો
વાલ્પેરાઈસો પ્રદેશના ગવર્નર રોડ્રિગો મુંડાકાએ રવિવારે જાહેરાત કરી હતી કે વિના ડેલ માર, ક્વિલ્પ્યુ, વિલા અલેમાના અને લિમાચે શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે જેથી સત્તાવાળાઓ આગ ઓલવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. ક્વિલપ્યુના મેયર વેલેરિયા મેલિપિલાને કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી મોટી આગ છે. લગભગ 1400 ઘર બળીને રાખ થઈ ગયા છે. આગને વધુ ફેલાતી રોકવા માટે ફાયર બ્રિગેડની મદદ માટે સેનાને તૈનાત કરવામાં આવી છે, જ્યારે હેલિકોપ્ટરોએ આગને ઓલવવા માટે આકાશમાંથી પાણી છોડ્યું હતું.
પોપ ફ્રાન્સિસે કહ્યું- પ્રાર્થના કરો
પોપ ફ્રાન્સિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને લોકોને વિનંતી કરી કે જંગલની આગમાં જીવ ગુમાવનારા લોકો માટે પ્રાર્થના કરો. તેમણે મધ્ય ચિલીને અસર કરતી વિનાશક આગના મૃતકો અને ઘાયલ પીડિતો માટે પ્રાર્થના કરવા માટે લખ્યું.


