- 11 હજારથી વધુ લોકોએ ઘર છોડી દીધું છે
- ચીનમાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલી
- અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનું સ્થળાંતર
‘ગેમી’ વાવાઝોડાને લીધે ચીન માથે સંકટના વાદળો ઘેરાયા છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વધુ 7 લોકોના મોત નીપજ્યા છે, વાવાઝોડાના કારણે કુલ મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. આ વરસાદના લીધે શહેરમાં અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને 11,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
ગેમી વાવાઝોડાએ ચીનમાં તબાહી મચાવી છે
વાવાઝોડાને કારણે થયેલા મુશળધાર વરસાદના લીધે વધુ 7 લોકોના મોત થયાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને હવે 22 થઈ ગયો છે. તમામ મૃત્યુ હુનાન પ્રાંતમાં થયા છે. પૂર્વી હુનાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. એક એજન્સીના જણાવ્યા અનુસાર, જિક્સિંગ શહેરમાં ચાર ગામોમાં ચાર લોકોના મોત અને ત્રણ ગુમ થયાની જાણ કરવામાં આવી છે. સિન્હુઆએ જણાવ્યું હતું કે વરસાદે શહેરમાં સેંકડો ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું અને 11,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ગામમાંથી લોકોના મૃતદેહ મળ્યા
એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, અન્ય ત્રણ ગુમ થયેલા લોકોના મૃતદેહ નજીકના શહેરના એક ગામમાંથી મળી આવ્યા હતા. સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે, ભૂસ્ખલનને લીધે દટાઈને મૃત્યુ પામ્યા હતા. તેમજ સાત જેટલા વ્યક્તિઓના મૃત્યુ દક્ષિણના એક વિસ્તારમાં થયા હતા, રવિવારે સવારે હોમસ્ટે હાઉસ પર ભૂસ્ખલન થતાં 15 લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. સિન્હુઆએ જણાવ્યું હતું કે વરસાદને કારણે રવિવારે હુનાનમાં જિયાંગતાન કાઉન્ટીમાં જુઆનશુઇ નદીના બે વિભાગો તૂટી ગયા હતા અને 3,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું હતું
ગેમીના લીધે ઉત્તરપૂર્વીય ચીન અને ઉત્તર કોરિયામાં પણ ભારે વરસાદ કર્યો હતો, જેના કારણે બંને દેશોને વિભાજીત કરતી યાલુ નદીમાં પૂર આવ્યું હતું. ચીનના સરહદી શહેર દાંડોંગ અને ઉત્તર કોરિયાની સરહદે ગંભીર પૂરના અહેવાલ છે.


