– નીતિવિષયકોએ લીધેલા અનેક પગલાં ટૂંકા પડયા
Updated: Nov 1st, 2023
મુંબઈ : ચીનમાં ઓકટોબરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરના નિર્દેશાંકો ચીનમાં રિકવરી થઈ રહ્યાના સંકેત આપતા હતા પરંતુ ઓકટોબરમાં ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટી ૪૯.૫૦ રહ્યો છે જે સપ્ટેમ્બરમાં ૫૦.૨૦ હતો.
પચાસથી નીચેના પીએમઆઈને જે તે ક્ષેત્રનું સંકોચન કહેવાય છે. ચીનમાં અર્થતંત્રને ગતિ આપવા નીતિવિષયકોએ અનેક પગલાં જાહેર કર્યા છે, જે માગ વધારવામાં નિષ્ફળ રહ્યાનું ઓકટોબરના પીએમઆઈ પરથી જણાય છે.
વ્યાજ દરમાં ઘટાડો, લિક્વિડિટીમાં વધારો ઉપરાંત રાજકોષિય પ્રોત્સાહનો જેવા પગલાં હાથ ધરવામાં આવ્યા છે. આર્થિક વિકાસ દરના પાંચ ટકાના ટાર્ગેટને સિદ્ધ કરવા વધુ નીતિવિષયક પગલાં જાહેર કરવાની ચીનને ફરજ પડશે એમ જણાય છે.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચીનનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા ઝડપથી વધ્યો હતો, જે ચીનમાં ફરી રિકવરી થઈ રહ્યાના સંકેત આપતા હતા. પરંતુ ચીનમાં પ્રોપર્ટી ક્ષેત્રે કટોકટી હજુ પૂરી થઈ નહીં હોવાનું પીએમઆઈના આંકડા પરથી કહી શકાય એમ છે.