ચીનમાં એક કેમિકલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા હતા અને છ લોકો ગુમ થયા હતા. વિસ્ફોટથી આગનો મોટો ગોળો ઉત્પન્ન થયો અને ધુમાડાના ગોટેગોટા સેંકડો ફૂટ ઉપરથી ઉડતા જોઈ શકાયા હતા. રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆએ સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન બ્યુરોને સ્પષ્ટ જણાવ્યું હતું કે આ ઘટનામાં 19 લોકોને નાની ઇજાઓ થઈ છે.
વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી
શિન્હુઆના અહેવાલ મુજબ, શેનડોંગ પ્રાંતમાં સરકારી માલિકીના શેનડોંગ યુદાઓ કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. તે ‘ક્લોરપાયરિફોસ’ નામના જંતુનાશકના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે.વિસ્ફોટ બપોરે થયો હતો. જેના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.
300 થી વધુ લોકો કામ કરતા હતા
હોંગકોંગ સ્થિત ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ના અહેવાલ મુજબ, 2019 માં ગાઓમી શહેરમાં સ્થાપિત આ પ્લાન્ટ દર વર્ષે લગભગ 11,000 ટન જંતુનાશકોનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટમાં 300 થી વધુ લોકો કામ કરે છે. વિસ્ફોટની માહિતી મળતાં, કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે તાત્કાલિક બચાવ કાર્યમાં મદદ કરવા માટે અગ્નિશામકો અને તબીબી કર્મચારીઓ સહિત વિશેષ કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલ્યા.
ચીનના અધિકારીઓએ લીધુ એક્શન
પ્રાંતીય અને સ્થાનિક સત્તાવાળાઓએ બચાવ પ્રયાસોનું સંકલન કરવા માટે એક સંયુક્ત બચાવ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરી છે, જે ગુમ થયેલા લોકોની શોધ, ઘાયલોની સારવાર, પરિવારોને દિલાસો આપવા અને પર્યાવરણનું નિરીક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.