- ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારે કહ્યું
- ભારત વિદેશવેપાર, સંસ્કૃતિ, ઈકોનોમી અને રાજકારણમાં ઝડપથી આગળ વધી રહ્યું છે
- ઝડપી આર્થિક-સામાજિક વિકાસથી ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે
ભારત સાથે સીમાવિવાદ મામલે હંમેશા દુશ્મની રાખતા દેશ ચીન દ્વારા પણ હવે ભારતમાં મોદીનાં નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની પ્રશંસા કરવામાં આવી છે. ચીને ભારતને ભરોસાપાત્ર અને ઝડપી ગ્રોથ કરતો દેશ ગણાવ્યો છે. ભારતનો જે રીતે દુનિયામાં ડંકો વાગી રહ્યો છે તે પછી ચીને પણ ભારતનાં પ્રભુત્વને સ્વીકારવાની ફરજ પડી છે. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખમાં ભારતની પ્રશંસા કરતા લખવામાં આવ્યું છે કે, ભારત વિદેશવેપાર, સંસ્કૃતિ, ઈકોનોમી અને રાજકારણમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ઝડપી આર્થિક તેમજ સામાજિક વિકાસને કારણે ભારતનો આત્મવિશ્વાસ વધ્યો છે. આખા વિશ્વમાં તેનું કદ વધ્યું છે. ફુદાન યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીનાં ડિરેટકર ઝાંગ ઝિયાદોંગે આ લેખમાં લખ્યું છે કે, ભારત આજકાલ વિશ્વમાં વિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેનું મહત્ત્વ વધી રહ્યું છે. તેણે મજબૂતાઈ સાથે ભારત નેરેટિવને આગળ વધાર્યું છે.
ચીને પણ ભારતનાં વર્ચસ્વને સ્વીકાર્યું
થોડા દિવસ પહેલાં રશિયાનાં પુતિને અને હવે ચીને પણ આખરે ભારતનાં વર્ચસ્વને સ્વીકાર્યું છે. ગ્લોબલ ટાઈમ્સે ભારતનાં વિકાસનાં વખાણ કરતા કહ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારે વિદેશવેપાર, સંસ્કૃતિ, રાજકારણ સહિત અનેક મુદ્દા પર સુધારાલક્ષી સાનુકૂળ દૃષ્ટિકોણ અપનાવ્યો છે. ભારત સરકારનાં તમામ પ્રયાસોનાં સારા પરિણામ આવ્યાં છે. ભારતની દેશમાં અને વિદેશમાં સ્થિતિ ઘણી સુધરી છે. આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં સારા પરિણામો હાંસલ કર્યા છે. તે ઝડપથી વિકાસ પામતી ઈકોનોમી બની રહ્યું છે.
મોદીએ સત્તા સંભાળતા જ કમાલ કરી બતાવી
મોદીએ સત્તા સંભાળતા જ કમાલ કરી બતાવી છે. કૂટનીતિનો ઉપયોગ કરીને અમેરિકા, રશિયા, જાપાન સહિત અનેક દેશો સાથે સંબંધો વધાર્યા છે. વિદેશનીતિમાં ધરખમ સુધારો કર્યો છે. જે સ્પષ્ટ રીતે ભારત મહાશક્તિ બની રહ્યું હોવાનો નિર્દેશ કરે છે. રશિયા અને યૂક્રેન યુદ્ધમાં તેણે તટસ્થતા દર્શાવી છે. શહેરોનો વિકાસ કર્યો છે અને નિકાસને વેગ આપવા પગલાં લેવાયાં છે.


