- અમેરિકન મેગેઝિનને આપેલ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદી કરી હતી સરહદ વિવાદ પર ટિપ્પણી
- ભારત-ચીને સરહદ પરના ગતિરોધને ઉકેલવામાં ‘મોટી સકારાત્મક પ્રગતિ’ કરી: ચીની પ્રવક્તા
- ભારત અને ચીન વચ્ચેના સંબંધોને માત્ર સરહદી મુદ્દો જ વ્યાખ્યાયિત નથી કરતો: માઓ નિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન સાથે સરહદ વિવાદ પર ટિપ્પણી બાદ ચીન તરફથી આ સતત બીજી પ્રતિક્રિયા આપવામાં આવી છે. અગાઉ ચીને કહ્યું હતું કે મજબૂત અને સ્થિર સંબંધો બંને દેશોના હિતમાં છે. હવે શુક્રવારે ચીન તરફથી બીજી વખત ટિપ્પણી કરીને એવું કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીને સરહદ પર ચાલી રહેલા ગતિરોધને ઉકેલવામાં ‘મોટી સકારાત્મક પ્રગતિ’ કરી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે તેમની દૈનિક પ્રેસ બ્રીફિંગમાં નિવેદન આપ્યું હતું કે, ‘સીમા વિવાદ અંગે કહેવા માંગુ છું કે ભારત અને ચીને રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે અને આ સંદર્ભમાં ઘણી સકારાત્મક પ્રગતિ થઈ છે.’ પીએમ મોદીએ એક અમેરિકન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં નિવેદન આપતા કહ્યું હતું કે ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે અને સરહદ વિવાદનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.
“ચીન અને ભારત વચ્ચે સારા સંબંધો બંને દેશોના હિતમાં”
પીએમ મોદીની ટિપ્પણી પર ચીન દ્વારા બીજી પ્રતિક્રિયામાં આપવામાં આવી છે જેમાં ચીની પ્રવક્તાએ કહ્યું છે કે, ‘અમે એમ પણ માનીએ છીએ કે ચીન અને ભારત વચ્ચે સારા સંબંધો બંને દેશોના હિતમાં છે. ચીનને આશા છે કે ભારત ચીન સાથે મળીને એક સમાન દિશામાં કામ કરશે, તમામ મતભેદોને દૂર કરશે અને એક સ્થિર ટ્રેક પર દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જશે.’
આ પહેલા ગુરુવારે પીએમ મોદીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા નિંગે કહ્યું હતું કે, ‘મજબૂત અને સ્થિર સંબંધો ભારત અને ચીન બંનેના હિતમાં છે અને આ ક્ષેત્ર અને બાકીના વિશ્વની શાંતિ અને વિકાસ માટે મદદરૂપ થશે.’ ચીનના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને માત્ર સરહદી મુદ્દો જ વ્યાખ્યાયિત નથી કરતો. પરંતુ, તેને દ્વિપક્ષીય સંબંધોમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવવું જોઈએ અને તેનું યોગ્ય રીતે સમાધાન કરવું જોઈએ.
PM મોદીએ ઈન્ટરવ્યુમાં શું કહ્યું?
પીએમ મોદીએ અમેરિકન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં ભારત-ચીન સરહદ વિવાદ પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મારું માનવું છે કે આપણે આપણી સરહદો પર લાંબા સમયથી ચાલી રહેલી પરિસ્થિતિને તાકીદે ઉકેલવાની જરૂર છે જેથી કરીને આપણી દ્વિપક્ષીય ચર્ચાઓમાં સમસ્યાઓ ટાળી શકાય. ભારત અને ચીન વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો માત્ર આપણા બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે.


