- રિઅલ્ટી સેકટરમાં પેમેન્ટ કટોકટી, ઉત્પાદકતામાં ઘટાડો મંદી માટે જવાબદાર
- આગામી વર્ષોમાં વૃદ્ધિદર હજી પણ ઘટીને 3.5 ટકા થશે
- ચીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે
હાલમાં ચીનમાં જે મંદીનો દોર ચાલી રહ્યો છે તે આગામી વર્ષોમાં પણ ચાલુ રહેશે. ચીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે અને તેની વસ્તીની સરેરાશ વય વધી રહી છે તે પરિબળો આ મંદી માટે જવાબદાર છે. ઇન્ટરનેશનલ મોનેટરિ ફંડ (આઇએમએફ)એ જણાવ્યા અનુસાર ચીનમાં આ મંદી વર્ષ 2028 સુધી ચાલુ રહેશે.
વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં બીજો ક્રમ ધરાવતા ચીનમાં ગયા વર્ષે દસકાઓનો તેનો સૌથી નીચો વૃદ્ધિદર નોંધાયો હતો. સ્થાનિક પ્રોપર્ટી માર્કેટમાં દેવાની કટોકટી ઊભી થઇ, જીઓ-પોલિટિકલ ટેન્શન પણ ઊભુ થયું અને સાથે સાથે વિશ્વની માંગમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાતા વૃદ્ધિદરમાં તળિયે ગયો હતો. આઇએમએફએ એક અહેવાલમાં કરેલી આગાહી મુજબ ચીનમાં હજી પણ વૃદ્ધિદરમાં ઘટવાનું ચાલુ રહેશે અને 2029માં તે ઘટીને 3.5 ટકાના સ્તરે પહોંચશે. ચીનના ભાવિ વૃદ્ધિદર અંગે હાલમાં જે અનિશ્ચિતતા પ્રવર્તમાન છે તે પણ ચાલુ રહેશે એમ રિપોર્ટે ઉમેર્યું હતું. અગાઉ આઇએમએફએ ચીનનો વૃદ્ધિદર ઘટીને 4.6 ટકા થશે એવી આગાહી કરવામાં આવી હતી, જે હવે ઘટાડીને 3.5 ટકા કરવામાં આવ્યો છે.
અગાઉ ચીને જે નોંધપાત્ર વૃદ્ધિ કરી તેમાં તેના રિઅલ એસ્ટેટ સેકટરનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો. જોકે હાલમાં આ જ સેકટરમાં પેમેન્ટની કટોકટી ઊભી થઇ છે અને આના કારણે સમગ્ર ફાયનાન્સિયલ સિસ્ટમને ફટકો પડયો છે. તાજેતરમાં આ ક્ષેત્રની જાયન્ટ કંપની એવરગ્રાન્ડેએ નાદારી નોંધાવી તે આ બાબતની પુરાવો છે. આ કંપનીનું દેવું 300 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયું હતું.


