- MNDF દ્વારા ડ્રોન સર્વેલન્સનો એક વિડિયો શેર કરવામાં આવ્યો
- તુર્કી પાસેથી ખરીદેલા ડ્રોન વડે દરિયાઈ વિસ્તાર પર સર્વેલન્સ શરૂ
- ભારતીય ડોર્નિયર પ્લેનને રિપ્લેસ કરશે નવા બાયકર ટીબી2 ડ્રોન
માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુના ઈન્ડિયા આઉટના ઈરાદા હવે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) એ તુર્કી પાસેથી ખરીદેલા ડ્રોન વડે દરિયાઈ વિસ્તાર પર નજર રાખવાનું શરૂ કર્યું છે. MNDF દ્વારા એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં તુર્કી સાથેના કરાર હેઠળ ખરીદ કરવામાં આવેલ ડ્રોન ઉડતું બતાવવામાં આવ્યું છે.
એવીએટર્સ માલદીવ તરફથી પોસ્ટ કરવામાં આવેલ વિડીયોમાં બાયકર ટીબી2 બ્રાન્ડનું ડ્રોન ઉડાન ભરતું જોવા મળી રહ્યું છે. આ ડ્રોનને નૂનૂ માફારુમાં સંચાલિત કરવામાં આવ્યું હતું. MVR 560 મિલિયન કરાર હેઠળ ખરીદવામાં આવેલ તુર્કી ડ્રોન ગત સપ્તાહે માલદીવ પહોંચ્યા હતા.
સશસ્ત્ર મિશન પાર પાડવામાં સક્ષમ
તુર્કી પાસેથી ખરીદેલા બાયકર ટીબી2 ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ મિશન માટે થાય છે. આ ઉપરાંત, આ ડ્રોન હથિયારોથી સજ્જ થઈને અને સશસ્ત્ર મિશન પાર પાડવાની ક્ષમતા પણ ધરાવે છે. માલદીવની મોહમ્મદ મુઈજ્જુની આગેવાનીવાળી સરકારે દેશના જળસીમાની સુરક્ષા માટેના પ્રયાસોની ખાતરી આપવા સિવાય ડ્રોન સંબંધિત કોઈ માહિતી જાહેર કરી નથી.
ભારત માટે કેમ ચિંતાનો વિષય?
ભારત માટે એટલા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે આ ડ્રોન વિમાનોનો ઉપયોગ માલદીવ ભારત નજીકની દરિયાઈ સરહદના સર્વેલન્સ માટે કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રોનને મુઈજ્જુ સરકાર એટલા માટે લાવી છે જેથી ભારતના ડોર્નિયર પ્લેનને રિપ્લેસ કરી શકે છે.
વાસ્તવમાં, માલદીવના રાષ્ટ્રપતિ તરીકે બેસ્યા બાદ મોહમ્મદ મુઈજ્જુએ સૌથી પહેલી મુલાકાત તુર્કીની કરી હતી. આ પહેલા માલદીવના તમામ રાષ્ટ્રપતિ સૌથી પહેલા ભારતની મુલાકાત લેતા રહેતા હતા.


