- ચીન અને નોર્થ કોરિયાની આક્રમકતાનો સામનો કરવા માટે USA એક્શનમાં
- પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં હાલમાં ત્રણ અમેરિકન એરક્રાફ્ટ કેરિયર તૈનાત
- પશ્ચિમ પ્રશાંત વિસ્તારમાં પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરતું USA
પ્રશાંત હિન્દ મહાસાગરમાં વધતાં તણાવ વચ્ચે સૈન્ય વિશ્લેષકોનું માનવું છે કે ચીન અને નોર્થ કોરિયાની આક્રમકતાનો સામનો કરવા માટે USA આ વર્ષે પોતાના લગભગ અડધોઅડધ એરક્રાફ્ટ કેરિયર શીપ પશ્ચિમ પ્રશાંત વિસ્તારમાં મોકલી શકે છે. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં હાલમાં ત્રણ અમેરિકન એરક્રાફ્ટ કેરિયર છે અને વધુ બે એરક્રાફ્ટ ટૂંક સમયમાં આવનાર છે.
5 ફેબ્રુઆરીના રોજ, US નેવી ઇન્સ્ટિટ્યૂટ ફ્લીટ અને મરીન ટ્રેકરે જણાવ્યું હતું કે અમેરિકન નૌસેનાના પેસિફિક ફ્લીટ ફ્રિગેટ, USS અબ્રાહમ લિંકન, તેના હોમ પોર્ટને છોડીને પશ્ચિમ પ્રશાંત તરફ જતી જોવા મળી હતી. આ એરક્રાફ્ટ કેરિયર્સના આવ્યા બાદ 11 માંથી 5 અમેરિકન કેરિયર્સને પ્રથમ વખત પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં તૈનાત થઈ જશે. USS રોનાલ્ડ રીગન ઉપરાંત, USS કાર્લ વિન્સન અને USS થિયોડોર રૂઝવેલ્ટ 12 ફેબ્રુઆરીના રોજ ગુઆમ અને હવાઈમાં તૈનાત કરવામાં આવ્યા હતા અને હવે એપ્રિલ અને જુલાઈ સુધી પશ્ચિમ પેસિફિકમાં રહેવાની અપેક્ષા છે.
અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર પહેલેથી જ તૈનાત
એક રિપોર્ટ મુજબ, પશ્ચિમ પ્રશાંત વિસ્તારમાં પાંચ એરક્રાફ્ટ કેરિયરની તૈનાતીને આ વિસ્તારમાં અમેરિકા દ્વારા શક્તિ પ્રદર્શનના રૂપે જોવામાં આવી રહ્યું છે. જ્યારે 2024ની શરૂઆતમાં ત્રણ એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરવામાં આવ્યા તો નિષણતોએ કહ્યું હતું કે અમેરિકા પશ્ચિમ પ્રશાંત વિસ્તારમાં પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરવા માંગે છે.
જાન્યુઆરીમાં ઉત્તર કોરિયાએ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું, તેના જવાબમાં USS કાર્લ વિન્સને જાન્યુઆરીમાં દક્ષિણ કોરિયા અને જાપાન સાથે પૂર્વ ચીન સાગરમાં નૌસૈનિક યુદ્ધઅભ્યાસ કર્યો હતો. ત્યારબાદ, USS થિયોડોર રૂઝવેલ્ટ, જાપાનીઝ હેલિકોપ્ટર JS અને USS કાર્લ વિન્સને ફિલિપાઈન સમુદ્રમાં પ્રશિક્ષણ અભ્યાસમાં ભાગ લીધો હતો. નૌસેના શક્તિના આ પ્રદર્શનમાં જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સના વધુ 9 જહાજો કવાયતમાં જોડાયા હતા.
કમાંડરે સૈન્ય અભ્યાસને લઈને જાણો શું કહ્યું?
એક રિપોર્ટ અનુસાર, આ કવાયતો દરમિયાન USS થિયોડોર રૂઝવેલ્ટના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ નાઈનના કમાન્ડર, રીઅર એડમિરલ ક્રિસ્ટોફર એલેક્ઝાન્ડરે કહ્યું, “જ્યારે અમે દરિયાઈ સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સાથે મળીને કામ કરીએ છીએ, ત્યારે અમે વધુ સારા પરિણામો પ્રાપ્ત કરીએ છીએ.”


