એક તરફ જ્યારે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે એશિયામાં પણ તણાવ વધી રહ્યો છે. ચીન તાઇવાનને ધમકી આપી રહ્યું છે. તાઇવાને મંગળવારે કહ્યું કે 59 ચીની વિમાનો તેના ટાપુની નજીક આવી પહોંચ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી આ પહેલી વાર બન્યું છે કે જ્યારે ચીને તાઇવાન તરફ આટલી મોટી સંખ્યામાં વિમાન મોકલ્યા હોય.
આ ઘટના તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ તરફથી વિદેશી શત્રુતાપૂર્ણ તાકાત કહ્યા બાદ બની હતી. ચીનનો દાવો છે કે તાઇવાન તેનો ભાગ છે અને તે દ્વિપને પોતાના નિયંત્રણમાં લેશે, ભલે પછી તે માટે બળપ્રયોગ કરવો પડે.
ચીને ચેતવણી આપી
મહત્વનું છે કે આ પહેલા 15 ઓક્ટોબરે ચીને તાઇવાન તરફ 153 જહાજો મોકલ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ લાઈના રાષ્ટ્રીય દિવસના ભાષણના થોડા દિવસો પછી જ ચીને મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. સોમવારે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ તાઇવાનની સ્વતંત્રતા સાથે ઇરાદાપૂર્વક સાંઠગાંઠ કરી રહેલા દળો માટે એક કડક ચેતવણી છે. તાઇવાન નાનું હોવા છતાં તેનામાં ચીનનો સામનો કરવાની તાકાત છે કારણ કે અમેરિકા તેની પાછળ ઉભું છે. અમેરિકા રાજદ્વારી રીતે તાઇવાનને માન્યતા આપતું નથી, પરંતુ તેની સુરક્ષા માટે સમર્થન દર્શાવે છે.
તાઇવાનને ડરાવવા માટે ચીને મોકલ્યા જહાજ
તાઇવાનની સુરક્ષા અને મનોબળ નબળું પાડવાની આશામાં ચીન દરરોજ આવા મિશન શરૂ કરવાનું ચાલુ રાખે છે. જોકે ટાપુના 23 મિલિયન લોકોમાંથી મોટાભાગના લોકો તાઇવાન પર ચીનના સાર્વભૌમત્વના દાવાને નકારે છે. આટલી મોટી સંખ્યામાં વિમાન મોકલવા પાછળનું કારણ શું હતું તે સ્પષ્ટ નથી.


