– ટેકનોલોજી ઉપરાંત અન્ય ક્ષેત્રના શેરોમાં રોકાણકારોની ભારે વેચવાલીના દબાણે ઉદ્ભવેલી પ્રતિકૂળ સ્થિતી
Updated: Oct 24th, 2023
મુંબઈ : વૈશ્વિક બજારની ચિંતાને પગલે ચીનમાં ઘરેલું અર્થતંત્રની નબળાઈ વધુ વકરતા ચીનનો બ્લ્યુ-ચીપ શેર ઈન્ડેકસ સોમવારે સાડાચાર વર્ષની નીચી સપાટીએ બંધ આવ્યો હતો. ટેકનોલોજી ઉપરાંત અન્ય ક્ષેત્રના શેરોમાં ભારે વેચવાલી આવી હતી.
ચીનનો સીએસઆઈ૩૦૦ ઈન્ડેકસ સોમવારે એક ટકા જેટલો ઘટી ફેબુ્રઆરી, ૨૦૧૯ બાદની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેકસ પણ ૧.૫૦ ટકા ઘટી એક વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહમાં જ શાંઘાઈએ ઈન્ડેકસ ૩૦૦૦ – પોઈન્ટની મહત્વની સપાટી તોડી હતી. ચીનના અર્થતંત્રને સ્પશતા વિવિધ પ્રતિકૂળ અહેવાલોની ત્યાં સતત પ્રતિકૂળ અસર થઇ રહી છે.
વૈશ્વિક બજારમાં તાજેતરના કડાકા, અનિશ્ચિતતામાં વધારો તથા ડોલરમાં વોલેટિલિટી વૈશ્વિક જોખમો ઊભા થઈ રહ્યાના સંકેત આપે છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ઈઝરાયલ દ્વારા ગાઝા ઉપરાંત લેબેનોન પર હુમલાને કારણે મધ્ય પૂર્વનો સંઘર્ષ વિસ્તૃત બનવાની પણ ચિંતા વધી છે. એક તરફ યુદ્ધની સ્થિતિ ઘેરી બની રહી છે જ્યારે બીજી બાજુ વ્યાજ દરમાં વધારો અટકી ગયો હોવાનું હજુ સ્પષ્ટ કહી શકાતું નહીં હોવાથી રોકાણકારોમાં પણ ચિંતા રહેલી છે.
આ જોખમોએ ચીન સહિત વિશ્વના અન્ય બજારોમા પણ સ્થિતિને વધુ વણસાવી દીધી છે. બીજિંગ દ્વારા રાહતના પગલાં છતાં, ચીનમાં પ્રોપર્ટી કટોકટી વચ્ચે અર્થતંત્ર દબાણ હેઠળ ચાલુ રહ્યું છે.