– ઈસ્ટ એશીયાના જીડીપી વૃદ્વિના અંદાજને ઘટાડાયો
Updated: Oct 3rd, 2023
નવી દિલ્હી : વર્લ્ડ બેંક દ્વારા વર્ષ ૨૦૨૩ માટે ચાઈનાનો આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિનો અંદાજ એપ્રિલમાં મૂકાયેલા ૫.૧ ટકાએ જાળવ્યો છે, પરંતુ ચાઈનાના પ્રોપર્ટી ક્ષેત્રની કટોકટીના અને નબળાઈના કારણે વર્ષ ૨૦૨૪ માટે અંદાજ ૪.૮ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા મૂક્યો છે.
ચાઈના સહિત ઈસ્ટ એશીયા અને પેસેફિક માટે વર્લ્ડ બેંકે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(જીડીપી) વૃદ્વિનો વર્ષ ૨૦૨૩ માટે અંદાજ ૫.૧ ટકાથી ઘટાડીને ૫.૦ ટકા મૂક્યો છે. જે વર્લ્ડ બેંક દ્વારા તેના સેમી એન્યુઅલ રીજિયોનલ અપડેટમાં બતાવાયો છે.
વર્ષ ૨૦૨૪ માટે બેંક દ્વારા આ રીજિયનના આઉટલૂક-અંદાજને બાહ્ય નેગેટીવ પરિબળો અને વૈશ્વિક મંદ વૃદ્વિ સાથે ઊંચા વ્યાજ દરો અને વેપાર સંરક્ષણાત્મક નીતિઓને લઈ ૪.૮ ટકાથી ઘટાડીને ૪.૫ ટકા મૂક્યો છે. વર્ષ ૨૦૧૯ની તુલનાએ વર્ષ ૨૦૨૨માં ત્રણ ગણા વધુ વૈશ્વિક વેપારમાં ૩૦૦૦ જેટલા નવા અંકુશો-નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાનું વર્લ્ડ બેંકે જણાવ્યું છે.
ચાઈના માટે અત્યંત કડક ઝીરો-કોવિડ નીતિઓના ત્રણ વર્ષ બાદ દેશમાં આર્થિક ગતિવિધિની શરૂઆત પણ વધતાં દેવા અને પ્રોપર્ટી ક્ષેત્રે કટોકટીને પરિણામે વેડફાતી જોવાઈ છે. મહિનાઓ બાદ મોટાભાગના નબળા આંકડાએ ચાઈનામાં હજુ સ્થિરતાના ચિહ્નો નબળા છે.
ચાઈનામાં ફેકટરી પ્રવૃતિઓમાં સપ્ટેમ્બરમાં છ મહિનામાં પ્રથમ વખત વિસ્તાર થતો જોવાયો છે. આરંભિક સુધારાના સંકેત ઓગસ્ટમાં ફેકટરી ઉત્પાદન અને રીટેલ વેચાણ વૃદ્વિથી મળ્યા હતા.