ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધ દરમિયાન બે દિગ્ગજ નેતાઓએ ટેલિફોન વાતચીત કરીને આ યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બંને દિગ્ગજ નેતાઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી અને ખાસ કરીને ઇઝરાયલને યુદ્ધવિરામ લાગુ કરવા અપીલ કરી હતી.
જિનપિંગે આપ્યું મોટું નિવેદન
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હાલ ભારેલ અગ્નિ જેવી હાલત છે. બંને દેશો સતત એકબીજા પર ભયંકર હુમલાઓ કરી રહ્યા છે અને આ યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોના જીવની આહુતિ દેવાઈ રહી છે. જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન વાતચીત દરમિયાન કહ્યું કે ઇઝરાયલને, શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ લાગુ કરવો જોઈએ. બંને નેતાઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા યુદ્ધવિરામ
ઈરાન અને ઈઝરાયલ સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે, બંને માંથી એક પણ દેશ બેઠક કરીને વાત કરવાના મૂડમાં નથી. બંને દેશ વચ્ચે હાલત એટલી ખરાબ છે કે હવે તો હોસ્પિટલોને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. જિનપિંગે વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન વાતચીત દરમિયાન સ્પષ્ટપણે કહ્યું છે કે મધ્ય પૂર્વમાં સંઘર્ષ ઉકેલવા માટે સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા યુદ્ધવિરામ છે અને આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ લાવવાનો માર્ગ બળનો ઉપયોગ ન હોઈ શકે.
બળનો ઉપયોગ કોઈપણ સમસ્યાનો ઉકેલ નહીં.
જિનપિંગે ઈઝરાયલને, શક્ય તેટલી વહેલી તકે યુદ્ધવિરામ લાગુ કરવા પણ અપીલ કરી છે , જેથી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થઈ શકે. જિનપિંગે વધુમાં કહ્યું કે ચીન હંમેશા વાતચીત અને રાજદ્વારી દ્વારા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનું નિરાકરણ લાવવાના પક્ષમાં રહ્યું છે અને બળનો ઉપયોગ કોઈપણ સમસ્યાનો કાયમી ઉકેલ હોઈ શકે નહીં. હાલ ઈઝરાયલ સતત ઈરાન પર હુમલો કરી રહ્યું છે. જવાબમાં ઈરાને પણ તેલ અવીવ, બીરશેબા, રામતાગન અને હોલોન જેવા ઘણા ઈઝરાયલી શહેરો પર 4 બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. આમાંથી એક મિસાઈલ તેલ અવીવની સોરોકા હોસ્પિટલ પર પડી, જેના કારણે આખી હોસ્પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.