- મોઇજ્જુએ ફરીવાર ભારતની પીઠમાં છરો ભોંક્યો, મિત્ર રાષ્ટ્રોનાં જહાજોનું સ્વાગત છે : માલદીવ
- ગયા વર્ષે ભારતના ભારે વિરોધ બાદ શ્રીલંકાએ ચીની જહાજને પોતાના બંદરે આવવા દીધું નહોતું
- ચીન પાસે જાસૂસી જહાજની મોટી ફ્લીટ
ભારત સાથે રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવે ફરીવાર ભારતની પીઠમાં છરો ભોંકવાનું કામ કર્યુ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પોતાના ખાસ મિત્ર ગણાવનારા માલદીવના કટ્ટરવાદી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ ભારત વિરુદ્ધ નવું કાવતરું ઘડયું છે. મુઇજ્જુએ ચીનના જાસૂસી જહાજને પોતાના ક્ષેત્રમાં પ્રવેશની મંજૂરી આપી દીધી છે. ભારત સાથે તંગદિલીપૂર્ણ સંબંધો વચ્ચે ચીનના જહાજને માલેમાં આવવાની મંજૂરી આપવાની વાતને અનુમોદન આપતા રાષ્ટ્રપતિ મુઇજ્જુએ કહ્યું હતું કે મિત્ર રાષ્ટ્રોના જહાજોનું સ્વાગત છે. ચીની જહાજ કેટલાક અઠવાડિયામાં જ માલદીવ પહોંચે તેવી સંભાવના છે. ચીની જહાજને કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. ભારતની ચિંતા એટલા માટે ગંભીર છે કારણ કે ગયા વર્ષે ચીનનું જાસૂસી જહાજ શ્રીલંકાના કાંઠે લાંગર્યુ હતું ત્યારે પણ ખૂબ ધમાલ થઇ હતી. માલદીવના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ મુઇજ્જુના દરેક પગલા ભારત વિરોધી રહ્યા છે.
માલદીવના સર્વેસર્વા બન્યા તે પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે ભારત વિરોધી અભિગમ અપનાવી દેશમાંથી ભારતીય સેનાને હટાવવાની વાત કરી હતી. મુઇજ્જુએ કહ્યું હતું કે જો તેઓ જીતી જશે તો દેશમાંથી ભારતીય સેનાને બહાર કરી દેવામાં આવશે. તેમણે ભારતીય સેનાને 15 ફેબ્રુઆરી સુધીમાં દેશ છોડીને જતા રહેવા કહ્યું છે. એટલું જ નહીં તેમણે માલદીવની પરંપરા તોડીને પોતાના પહેલા પ્રવાસે ભારત ન જઇને તેઓ ચીન ગયા હતા.
ભારતની ચિંતા
આ વાતે હજુ કોઇ ખુલાસો નથી થયો કે ચીની જાસૂસી જહાજના પ્રવાસ અંગે ભારતે માલદીવ સામે વાંધો ઉઠાવ્યો છે કે નહીં પરંતુ ભારત સરકારે આ પહેલા નક્કર પગલા ભર્યા હતા. ચીની જહાજ જ્યારે શ્રીલંકા આવ્યું હતું ત્યારે તેણે શ્રીલંકા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સંરક્ષણ સૂત્રોના અનુસાર ભારતીય નેવી ચીની જહાજની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.
ચીની જહાજ માલદીવ ક્યારે પહોંચશે?
ચીની જહાજ 16 જાન્યુઆરીએ ચીનથી રવાના થયું હતું. વર્તમાનમાં આ જહાજ જાવાના સમુદ્રમાં છે અને તે આઠ ફેબ્રુઆરી સુધીમાં માલદીવ પહોંચે તેવી અપેક્ષા છે. જોકે તે પહેલા પણ પહોંચી શકે છે.
ચીન પાસે જાસૂસી જહાજની મોટી ફ્લીટ :
ચીનન પાસે રિસર્ચ અને જાસૂસી ક્ષેત્રોમાં જહાજોની સૌથી મોટી ફ્લીટ છે. જેના વિશે નિષ્ણાતોનું માનવું છે કે આ જહાજો વૈજ્ઞાનિક અને સૈન્ય ઉદ્દેશ્યો બંને પૂરા કરી શકે છે. ચીની જહાજ હાલ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે અને તે માલે તરફ આગળ વધ્યું છે. માલદીવે પણ જહાજના આગમનની વાતને અનુમોદન કર્યુ છે. તેણે કહ્યું હતું કે મિત્ર રાષ્ટ્રના જહાજનું તેના ક્ષેત્રમાં સ્વાગત છે. ચીની જહાજની હાજરીએ ભારતની ચિંતા વધારી છે.
ચીની જહાજ જલદી જ પહોંચશે
એક સ્વતંત્ર જાસૂસી રિસર્ચર અને ઓપન સોર્સ ડેટા અનુસાર ચીની જાસૂસી જહાજ જલદી જ માલદીવ પહોંચે તેવી સંભાવના છે. આ જહાજ ગયા વર્ષે શ્રીલંકાના કાંઠે લાંગર્યુ હતું. ચીને આ વખતે માલદીવને ખભે બંદૂક રાખીને ભારત પર નિશાન તાકવાનો પ્રયાસ કર્યો છે. 4,300 ટનનું આ શિયાંગ યાંગ હોંગ 03 જહાજને ચીન રિસર્ચ વેસલ ગણાવે છે. ચીનનો દાવો છે કે આ જહાજ હાલ હિન્દ મહાસાગરના તળિયાનું માપન કરી રહ્યું છે અને આવી કવાયતથી પ્રાપ્ત ડેટાની મદદથી પાણીની અંદર થતા ભૂકંપ જેવી કુદરતી આફતની આગોતરી ચેતવણી પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.


