- જેની મને વરસોથી તલાશ છે એ જ આ પથ્થર છે
એઅરસામાં હસ્તિનાપુર નગરની કીર્તિ ચારે દિશામાં પસરી રહેલી હતી. નગરની વિશાળતા, ભવ્યતા, મોહકતા, પ્રાકૃતિક સૌંદર્ય આ બધાથી એની મનોરમ્યતાની વાતો દેશ-વિદેશમાં થયા કરતી હતી, તો એ નગર માટે બીજી એવી વાતો પણ થયા કરતી કે જે ચીજ બીજે ના મળે એ હસ્તિનાપુરમાં અવશ્ય મળે, પણ જે ચીજ હસ્તિનાપુરમાં ન મળે એ ક્યાંય ન મળે.
ત્યાં એક નાગદેવ નામનો ઝવેરી રહેતો હતો. એના ઘરમાં માત્ર રત્નભંડાર જ હતો એવું પણ નથી એને એ બધા રત્નોની વિશેષતાઓનો બોધ હતો.
ઘણીવાર એવું પણ બને આપણી પાસે કોઈ વિશિષ્ટ ચીજ આવી ગઈ હોય પણ એની ઉપયોગિતા અથવા એના ગુણદોષની આપણને જાણ ન હોય તો એ ચીજના ઉપયોગથી આપણે ચૂકતા હોઈએ છીએ. આ ઝવેરી એવા ન હતા. એકેએક રત્નના ગુણદોષનું તલસ્પર્શી જ્ઞાન એની પાસે હતું.
એને એક દીકરો હતો જયદેવ. એ પણ પિતાના વ્યવસાયમાં લાગી ગયો. પિતાની પાસેથી દરેક રત્નોના ગુણદોષનું જ્ઞાન લીધું એની ઉપયોગિતા અને સાથે સાથે એને પ્રતિષ્ઠિત કેવી રીતે કરવા આ બધો બોધ લીધો. એના ભંડારમાં જેટલા રત્નો હતા એ બધાનો એક એક કરીને પરિચય કરી લીધો છે. બધી જ જાતના રત્નો એના ભંડારમાં ભરેલા છે. દેશ-વિદેશમાં એવી વાતો વહેતી થયેલી કે કોઈ પણ રત્ન જોઈએ તો તમને નાગદેવના રત્નભંડારમાંથી મળી રહેશે. બીજે ક્યાંય ન મળે એવા અલભ્ય અને મૂલ્યવાન રત્નો પણ એના ભંડારમાંથી મળશે. પેલો જયદેવ એકવાર શાંતિની પળોમાં બેઠો હતો. એ વિચાર એ કરતો તો કે મારા પિતાએ મારા માટે કોઈ રત્ન શેષ રાખ્યું નથી, હવે મારે નવું કરવું હોય તો શું કરવું?
બધાને કંઈક અલગ કરવાનું મન હોય. બધા કરતા હોય એ જ આપણે કરવાનું હોય તો મજા શું આવે ? પણ નવું કરવા માણસની પાસે કલ્પનાશીલ મગજ હોવું જોઈએ. માત્ર કલ્પનાશીલ મગજથી પણ ચાલે નહીં. એ કલ્પનાઓને સાકાર કરવા માટે મનોબળ પણ મજબૂત જોઈએ. એ સિવાય તમારા વિચારોની કિંમત શું? જયદેવ વિચારે કે મારા પિતાજીએ એમના ભંડારમાં કેટલા બધા અલભ્ય રત્નોનો સંગ્રહ કરેલો છે. તન, મન અને ધનનો ઉપયોગ કરીને આવો મસ્તમજાનો ભંડાર તૈયાર કર્યો છે. એ જ સમયે એના મગજમાં એક વિચાર વીજ ચમકી. એ પ્રસન્ન થઈ ગયો. વાહ! સરસ, મને કામ મળી ગયું. મારા પિતાએ મારા ઉપર જોરદાર અનુગ્રહ કકર્યો છે. પિતાજીના ભંડારમાં બધા જ રત્નો છે, પણ માત્ર એક રત્ન નથી અને એ છે ચિંતામણિ રત્ન. બસ હવે એ રત્ન મેળવવા માટે મારે પ્રયત્ન કરવાનો. આજથી જ ચાલુ કરવાનો.
એણે એ જ સમયે સંકલ્પ કરી લીધો છે ગમે તે થાય પણ ચિંતામણિ રત્ન તો મેળવી ને જ રહીશ. મારે ચિંતામણિ વગર ચાલે નહીં.
નગરમાં તપાસ ચાલુ કરી છે. છે કોઈની પાસે?! હોય તો એના મૂલ્ય ચૂકવીને લઈ લઉં. પણ ગામમાં તો કોઈની પાસેથી ચિંતામણિ તો ના મળ્યું, પણ જવાબ મળ્યો. ચિંતામણિ જ નહી કોઈ પણ રત્ન તારે જોઈએ તો નાગદેવ પાસેની ત્યાંથી ના મળે તો બીજે ક્યાંથી એ મળવાનું નહીં. પેલો કહે કે હું એમનો જ દીકરો છું. એમની પાસે જો ચિંતામણિ હોત તો તમારી પાસે લેવા શા માટે આવત?
કેટલા બધા ઝવેરીઓની મુલાકાત લીધી પણ કંઈ મળ્યું નહીં. ચિંતામણિ રત્નની એને એવી લગની લાગી કે એના માટે એ નિર્જન વાનોમાં ગયો, પર્વતોના શિખરે પહોંચ્યો. કોઈ એવી જગ્યા એણે છોડી નથી કે જ્યાં ચિંતામણિની ભાળ મળી શકે. પણ અફસોસ ચિંતામણિના કોઈ એંધાણ એની નજરોમાં આવતા નથી.
જંગલમાં એક વૃક્ષનો ટેકો લઈને હતાશવદને એ બેઠો છે. એ વિચાર કરી રહ્યો છે કે ચિંતામણિ રત્નને મેળવવા માટે કેટલી મહેનત કરી, કેટલું રખડયો પણ ક્યાંય મને ચિંતામણિની ભાળ સરખી પણ મળી નહીં. એને મેળવવા માટે હવે મારે શું કરવું જોઇએ?
એ જ સમયે એક ઘટના બની. ઘેટાબકરા ચરાવવાવાળો ભરવાડ પોતાના ઘેટા લઈને લઈ રહ્યો હતો. એની પાસે એક ચમકતો પથ્થર હતો. એને રમાડી રહ્યો હતો. પોતાની મસ્તીમાં મસ્ત થઈને આગળ વધી રહ્યો હતો. જયદેવની નજર એના પથ્થર ઉપર પડે છે. દૂરથી પણ એ પથ્થરને ઓળખી ગયો. અરે આ સામાન્ય પથ્થર નથી, જેની મને વરસોથી તલાશ છે એ જ આ પથ્થર છે. મોં માગ્યા દામ આપીને પણ આપણે લેવો છે.
એ તો તરત જ એના સ્થાને ઊભો થયો. પેલા ભરવાડ પાસે પહોંચ્યો. ભાઈ, તું જેનાથી રમી રહ્યો છે એ બતાવીશ?
હમણાં રસ્તામાં મને મળી ગયો છે અને ગમી ગયો કે તારે જોવો હોય તો જોઈ શકે છે, પણ આ પથ્થર હું કોઈને પણ આપવાનો નથી. ના એ મને બહુ ગમે છે.
જયદેવ કહે છે તને ગમે છે તો ભલે પણ આ સામાન્ય પથ્થર નથી. આ તો ચિંતામણિ રત્ન છે અને વ્યવસ્થિત રીતે સાચવીને રાખવો જોઈએ. એનો ઉપયોગ કરતા આવડે તો આપણને ન્યાલ કરી દે. આના હું તને જોઈએ એટલા પૈસા આપવા તૈયાર છું. જેને તું ચમકતો પથ્થર કહે છે એ ચિંતામ ણિરત્ન તું મને આપી દે.
પેલો ભરવાડ કહે છે, મારે તારા પૈસાની જરૂર નથી. અને આ ચમકતો પથ્થર તને આપવાનો નથી.
માલિકનો કોઈ માલિક થઈ શકે. સંકુચિત મનવાળા માણસને સમજાવવાનો પ્રયત્ન નિષ્ફળ જ રહેતો હોય છે. જયદેવ આ વાત જાણતો હતો. ભરવાડને મનાવવાનો પ્રયત્ન એણે છોડી દીધો. પણ સાથે તે એ પણ જાણતા હતા કે `આ રત્નને આ માણસ સંભાળી શકશે નહીં.’ એટલા માટે હવે મારે આનો પીછો છોડવો જોઈએ નહીં.
જયદેવ ભરવાડની પાછળ પાછળ જ જાય છે. ભરવાડે રત્નને આદેશ કર્યો. હું તને એક વાર્તા સંભળાવું છું. તારે મને હોંકારો આપવાનો. કોઈ વાર્તા કહેતું હોય ત્યારે એની વાતમાં વચ્ચે વચ્ચે `હા’ `હં’ આવું કહેવું એનું નામ હોંકારો આપવો.
રત્નો દેવોથી અધિષ્ઠિત હોય છે. એ આપણા કામો કરી આપે પણ આવા હોંકાર ભરવા માટે દેવો થોડા આવે. આપણા મુશ્કેલ કામોને સરળ કરવાનું કામ એ કરે એ બરાબર છે.
ભરવાડે વાર્તા કહેવાનું ચાલુ કર્યું. રત્ને એને કોઈ જાતનો પ્રતિસાદ આપ્યો નહીં. ભરવાડને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં માણસને તે શું કરે છે, એનો કોઈ ખ્યાલ હોતો નથી. ગુસ્સામાં એ બોલી રહ્યો છે. મેં તને હોંકારો ભરવાનું કહ્યું, છતાં હોંકારો કેમ આપતો નથી. જો તું મારી વાત માનવાનો ના હોય તો મારે તારું કોઈ કામ નથી. વાત તો સાચી જ છે ને આપણી વાત કોઈ માને નહીં તો આપણને ગુસ્સો તો આવે. એટલું ખરું તે આપણે વિવેકથી વિચાર કરીએ છે, આ વ્યક્તિ આપણી વાત માનતો નથી તો આપણે એની સાથે કેવો વહેવાર કરવો જોઈએ? ભલે એ આપણી વાત ન માને પણ એની સાથેના સંબંધથી આપણને લાભ છે કે નુકસાન? આટલો વિચાર કર્યા વગરનું કોઈ પગલું ના હોય પણ આની પાસે આવો વિચાર કરવાની ક્યાં કોઈ ક્ષમતા હતી.
એણે તો બોલ તારે મારી વાત માનવતાની છે કે નહીં. જો ના જ માનવાનો હોય તો લે, લેતો જા. આમ કહીને ચિંતામણિ રત્નનો છૂટા ઘા કર્યો.
પુણ્યની ખામી હોય ત્યારે આવી ઘટના બનતી હોય છે. જ્યારે આપણા પુણ્યની ખામી હોય ત્યારે જ આપણને આવો વિચાર આવે. પેલો જયદેવ પાછળથી જ આવી રહ્યો હતો. એણે ભરવાડના ગુસ્સાવાળા શબ્દો સાંબળ્યા. એ એકદમ સતર્ક થઈ ગયો. બસ હવે આ કંઈક `પરાક્રમ’ કરવાનો અને તરત જ એણે ભરવાડને ચિંતામણિ ફેંકતો જોયો.
એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ ચિંતામણિ રત્નની દિશામાં દોડયો. રત્નને શોધ્યું. લઈને પોતાના ઘર તરફ રવાના થયો. માર્ગમાં એક મહાનગર નામનું નગર આવ્યું. ત્યાંના ઝવેરીના ઘેર એને જવાનું થયું. ઝવેરી કંઈક ચિંતામાં દેખાયો. થોડી ઘણી પૂછપરછના અંતે એને જાણવા મળ્યું કે રાજાએ એમને કોઈ રત્નની બાબતમાં પ્રશ્ન કરેલો જેનો જવાબ એમની પાસે હતો નહીં. એ બાબતમાં ચિંતામાં હતો.
જયદેવે કહ્યું, આમાં તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એના વિશેની આપને જે જોઈએ એ બધી જ જાણકારી મળી શકશે. એમ કહીને તલસ્પર્શી માહિતી આપી દીધી. પેલા ઝવેરી પ્રસન્ન થઈ ગયા. આવો સરસ જ્ઞાની છે આ માણસ?
એને એક ગુણસુંદરી નામની કન્યા હતી. એના માટે યોગ્ય વરની એ શોધમાં જ હતો. જયદેવને જોયા પછી એને લાગે છે કે આના કરતાં વધારે સારો બીજો કોઈ મળવાનો નથી. એણે જાતે જ જયદેવને પોતાની કન્યાના સ્વીકાર કરવા માટે વિનંતી કરી. એણે પણ એ સ્વીકાર કર્યો. ચિંતામણિ રત્ન અને કન્યારત્નને લઈને જયદેવ પોતાના નગરમાં ગયો. નગરજનોએ એનું ભવ્ય સ્વાગત કર્યું. દેશ-વિદેશમાં એની ખ્યાતિ પહોંચી છે, જયદેવના જેવો રત્નોનો પારખું માણસ જડવો અઘરો કે એના રત્નભંડારમાં હવે તો ચિંતામણિ રત્ન સાથે દરેક પ્રકારના રત્નોથી ચમકતું હતું. રત્નો કરતાં પણ વધારે ચમકતું એનું ભાગ્ય હતું.
આપણે પણ આપણા ભાગ્યને ચમકાવવા માટે નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરવો પડે. સાથે સાથે થોડી ધીરજ પણ કેળવવી પડે. તો ભાગ્ય ચમકે…!!


