વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું ૭3 વર્ષની વયે લાંબી બિમારી બાદ અવસાન થયુ છે. ચિઠ્ઠી આયી હૈ…ચિઠ્ઠી આયી હૈ ફિલ્મી ગીત દ્વારા પંકજ ઉધાસ લોકપ્રિયતાના સાતમા આસમાને બેઠા હતાં. તેમની પાસે ગઝલ ગાયકીનો જગજીતસિંઘ જેવો ઘેઘુર,અવાજ નહોતો. પરંતુ મુલાયમ અવાજમાં શબ્દોને રજૂ કરવાની તેમની આગવી કળા હતી. ગઝલની લોકપ્રિયતાના દોરમાં પંકજ ઉધાસ ખુબ ખિલ્યા હતાં. ખુબ જ લોકપ્રિય થયા હતાં. ફિલ્મમાં તેમણે મર્યાદિત ગાયુ હતું. પરંતુ ગઝલની મહેફિલો તેમણે ખુબ સજાવી હતી.

ગઝલની મહેફિલોમાં પંકજ ઉધાસના અવાજમાં ગવાયેલી ચાંદી જૈસા રંગ હૈ તેરા,સોને જૈસે બાલ, એક તું હી ધનવાન બાકી સબ કંગાલ ખુબ લોકપ્રિય થઇ હતી. શરાબ ચીજ હી ઐસી હૈ, ના છોડી જાયે… વગેરે તેમની મોસ્ટપોપ્યુલર રચના રહી છે. જીલ મેં ચાંદ નજર આયે.. પણ તેમની લોકપ્રિય ગાયકી માટે યાદ રહેશે. લોકપ્રિય ગુજરાતી ગઝલ ગાયક અને હિન્દી ફિલ્મોમાં યાદગાર ગીતો ગાનાર મનહર ઉધાસના તેઓ ભાઇ છે. મનહર ઉધાસ પંકજ ઉધાસ અને નિર્મળ ઉધાસ મૂળ રાજકોટના વતની છે. તેમણે ત્રણેય ભાઇઓએ રાજકોટમાં ગઝલ ત્રિવેણી કરીને એક ખાનગી કાર્યક્રમ આપ્યો હતો. જે ગઝલના દોરમાં યાદગાર રહયો હતો.


