- સુરેન્દ્રનગરના શખ્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી હતી
- માતા-પિતા, પત્નીની જવાબદારી તેના શીરે હોઈ આર્થિક મદદરૂપ થવા જામીન માંગ્યા હતા
- પુર્વ પ્રેમીકાના પતિ અને તેના મિત્રએ યુવકના ઘરે જઈ છરીના ઘા ઝીંકી હત્યા કરી
ચોટીલામાં રહેતા યુવાને પુર્વ પ્રેમીકાના નામ સાથેની પોસ્ટ સોશિયલમાં મુકી હતી. આ બનાવમાં પુર્વ પ્રેમીકાના પતિ અને તેના મિત્રએ યુવકના ઘરે જઈ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવમાં જેલવાસ ભોગવતા આરોપીએ 15 દિવસના કામચલાઉ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.
ચોટીલાના મફતીયાપરામાં રહેતા રાહુલ મનસુખભાઈને અગાઉ સુરેન્દ્રનગરમાં રહેતી યુવતી સાથે પ્રેમસબંધ હતો. વર્ષ 2023ના જાન્યુઆરી માસમાં રાહુલે પુર્વ પ્રેમીકાના નામ સાથેની પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં મુકી હતી. આ પોસ્ટ જોયા બાદ સુરેન્દ્રનગરમાં રહેતી યુવકની પુર્વ પ્રેમીકાના પતિ દર્શન મનોજભાઈ બાજીપરા અને તેનો મિત્ર ચોટીલાનો નવાબ ફીરોઝભાઈ મકવાણા રાહુલના ઘરે ગયા હતા અને ઘરની બહાર બોલાવી રાહુલ સાથે બોલાચાલી કરી દર્શને છરીના ઘા ઝીંકયા હતા. જેમાં કુવાડવા સારવાર માટે લઈ જવાતા રસ્તામાં રાહુલનું મોત થયુ હતુ. આ બનાવમાં જેલવાસ ભોગવતા આરોપી દર્શન મનોજભાઈ બાજીપરાએ સુરેન્દ્રનગર કોર્ટમાં 15 દિવસના કામચલાઉ જામીન પર મુકત થવા અરજી કરી હતી. જેમાં તેના માતા-પિતા તથા પત્નીની જવાબદારી તેના શીરે હોઈ આર્થીક મદદરૂપ થવા જામીન માંગ્યા હતા. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ પી.જી.રાવલે દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીના માતા-પિતા છુટક મજુરી કરી માસીક રૂપિયા 20 હજારની આવક મેળવે છે. અરજદારે જામીન પર મુકત કરાય તો તે આવકમાં બહોળો વધારો કરી શકે તેમ નથી. અરજદારને જામીન અપાય તો તે પેરોલ જમ્પ કરે તેવી પુરી શકયતા છે. આથી ત્રીજા એડીશનલ એન્ડ સેશન્સ જજ એન.જી.શાહે અરજદાર આરોપી દર્શન મનોજભાઈ બાજીપરાની કામચલાઉ જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.


