૪3૯૬ બોટલ, ૫૮૦ સોયાબીનની થેલીઓ અને મોબાઇલ સહિત ૭૦.૨૬ લાખના મુદામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી એક ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 57.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 70.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ L.C.B. અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની ટીમોએ હાઈવે પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે રોડ પર મોરવાડ ગામના પુલ પાસેથી એક સફેદ કલરનો ટાટા કંપનીનો ટ્રક (રજી.નં. GJ 01 CX 4077) શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો.
ટ્રકની તલાશી લેતા, સોયાબીનના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 750 એમ.એલ.ની કુલ 4396 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત 57,60,600 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 580 સોયાબીનના મીણીયાની થેલીઓ (કિંમત 2,61,000 રૂપિયા), ટ્રક (કિંમત 10,00,000 રૂપિયા) અને એક મોબાઈલ ફોન (કિંમત 5,000 રૂપિયા) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ 70,26,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ટ્રક ડ્રાઈવર રામભાઈ અજાભાઈ મોરી (રહે. ફુલીવાવ નેશ, નાગકા ગામ, તા./જી. પોરબંદર) ને પકડી પાડી તેની વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં જગાભાઈ રીણાભાઈ રબારી (રહે. ખાંપટ ગામ, તા./જી. પોરબંદર), ભીલવાડાની સહયોગ હોટલ ખાતે દારૂ ભરેલો ટ્રક આપી જનાર અજાણ્યો ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર જામનગરનો અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.
આ કામગીરી L.C.B. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ તથા સ્ટાફના પ્રવિણભાઈ કોલા, કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.


