- ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા કરાયું સ્પેશિયલ મિટ્ટી કાફેનું ઉદ્ઘાટન
- CJI વિકલાંગ કર્મચારીઓનો હાથ પકડીને કેફે તરફ લઈ જતા જોવા મળ્યા
- દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે મિટ્ટી કાફે
સુપ્રીમ કોર્ટ પરિસરમાં આજે કંઈક ખાસ જોવા મળ્યું છે. અહીં એક કાફે ખોલવામાં આવ્યું છે, જેની વિશેષતા એ છે કે આ કાફે વિકલાંગ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવશે. ‘મિટ્ટી કાફે’નું ઉદઘાટન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન CJI વિકલાંગ કર્મચારીઓનો હાથ પકડીને કેફે તરફ લઈ જતા જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે, મિટ્ટી કાફેની શરૂઆત એક NGO દ્વારા કરવામાં આવી છે, જે ખાસ જરૂરિયાતવાળા લોકો સાથે કામ કરે છે. તેમને રોજગારીની તકો પૂરી પાડે છે. મિટ્ટી કાફેના ડિરેક્ટર આયેશા આલમે જણાવ્યું હતું કે, ‘મિટ્ટી કાફે વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકો માટે રોજગાર વધારશે. લગભગ 500 દિવ્યાંગ કાફે સાથે સીધા જોડાયેલા છે અને 1200 વિકલાંગ લોકો કાફે સાથે જોડાયેલા છે.
સુપ્રીમ કોર્ટમાં મિટ્ટી કાફે ખોલવામાં મદદ કરનાર એડવોકેટ પ્રિયા હિંગોરાનીએ કાફે ખોલવા બદલ CJI ડીવાય ચંદ્રચુડ અને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. જણાવી દઈએ કે, NGOએ વર્ષ 2017માં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી, તેણે સમગ્ર ભારતમાં આવા 41 કાફે ખોલ્યા છે અને વિકલાંગ લોકો માટે રોજગારની તકો ઊભી કરી છે. એનજીઓના સીઈઓ-સ્થાપક અલીના આલમ છે. એનજીઓ મહિલા નેતૃત્વ ટીમ દ્વારા ચલાવવામાં આવે છે.