- હાઇકોર્ટ રજિસ્ટ્રાર પાસે જપ્ત થશે ચૂંટણીનો રેકોર્ડ
- CJIને સોંપાયો પ્રિસાઇડિંગ ઓફિસરનો વિડીયો
- કેસની સુનાવણી 12મી ફેબ્રુઆરી સુધી સ્થગિત
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. ચીફ જસ્ટિસે પ્રેસિડિંગ ઑફિસનો વિડીયો પણ જોયો જેમાં તેઓ કથિત રીતે મત રદ કરી રહ્યાં છે. CJIએ કહ્યું કે આ લોકશાહીની મજાક છે. જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. CJIએ કહ્યું કે અમે લોકશાહીની આ રીતે હત્યાની મંજૂરી આપી શકીએ નહીં. CJIએ ચૂંટણીનો સંપૂર્ણ વિડીયો રજૂ કરવા કહ્યું છે અને નોટિસ પણ જારી કરી છે.
ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. જણાવી દઈએ કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસે તમામ દસ્તાવેજો અને તમામ વિડીયો પુરાવાઓ સાથે સાંજે 5 વાગ્યા સુધી સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીએ યોજાનારી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જેમ કે, મહાનગરપાલિકાના નવા મેયરનું કામ હાલ પૂરતું અટકાવી દેવામાં આવશે.
હાઇકોર્ટ રજિસ્ટ્રાર પાસે જપ્ત થશે ચૂંટણીનો રેકોર્ડ
CJIની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું, “અમે નિર્દેશ આપીએ છીએ કે મેયર ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જપ્ત કરવામાં આવે અને બેલેટ પેપર, વિડીયોગ્રાફી પણ સાચવવામાં આવે. રિટર્નિંગ ઓફિસરને નોટિસ આપવામાં આવી છે કે તેઓ રેકોર્ડ સોંપો. સુપ્રિમ કોર્ટે ચંદીગઢ મેયર ચૂંટણી કેસની સુનાવણી આજે એટલે કે સોમવારથી શરૂ કરી છે. આજની સુનાવણી બાદ કેસની સુનાવણી 12મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
CJIને સોંપાયો પ્રિસાઇડિંગ ઓફિસરનો વિડીયો
એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગ સાથે કોર્ટનો સંપર્ક કર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કાર્યવાહીમાં શું થયું તે જોવા માટે પેનડ્રાઈવ આપી. આ જ પેનડ્રાઈવમાં કથિત રીતે પ્રેસિડિંગ ઓફિસનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં તે બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ભાજપના ઉમેદવારો કથિત રીતે પાછલા દરવાજેથી કેવી રીતે આવીને મેયરની ખુરશી પર બેસી જાય છે.


