- ત્રણેય યુવાનો ગુજરાત, યુપી અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી હોવાનો દાવો
- એજન્ટ દ્વારા દગો કરીને ભારતીય યુવાનોને યુદ્ધમાં જોતરી દેવાયાનો આક્ષેપ
- રશિયા-યૂક્રેન સરહદે હજુ પણ 18 જેટલા ભારતીય લોકો ફસાયેલા છે
રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલું છે અને યુદ્ધ દરમિયાન હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર કથિત રીતે ત્રણ ભારતીય યુવાનોને યૂક્રેન સામે રશિયા વતી યુદ્ધ લડવાની ફરજ પાડવામાં આવી રહી છે. જોકે, આ આક્ષેપ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કંઇ કહેવાયું નથી. AIMIM પાર્ટીના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે વિદેશપ્રધાન એસ.જયશંકરને અપીલ કરી છે કે તેઓ યુદ્ધમાં ફસાયેલા ત્રણ ભારતીયોને પરત સ્વદેશ લાવે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ડૉક્ટર જયશંકર તમે તમારા સંપર્કનો ઉપયોગ કરીને આ લોકોને સ્વદેશ પરત લાવો. તેમનો જીવ જોખમમાં છે અને તેમના પરિવાર ચિંતામાં છે. તેની સાથે જ ઓવૈસીએ એક અખબારમાં પ્રસિદ્ધ રિપોર્ટનો હવાલો પણ આપ્યો હતો. અહેવાલો અનુસાર રશિયા-યૂક્રેન સરહદે હજુ પણ 18 જેટલા ભારતીય લોકો ફસાયેલા છે. અખબારના રિપોર્ટ અનુસાર, એક પીડિતે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ત્રણ ભારતીયોને રશિયાની સેના સાથે મળીને યુદ્ધ કરવા માટે મજબૂર કરાઇ રહ્યા છે. એક એજન્ટે આ ભારતીય યુવકોને દગો આપ્યો હતો અને તેમને આર્મી સિક્યોરિટી હેલ્પર તરીકે મોકલ્યા હતા. પીડિત પરિવારે સાંસદ ઓવૈસીનો સંપર્ક કર્યો હતો. તે બાદ AIMIM પ્રમુખે વિદેશ પ્રધાન અને મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસને પત્ર પણ લખ્યો હતો, જેમાં ભારતીયોને સ્વદેશ પરત લાવવા હસ્તક્ષેપ કરવાની માગ કરાઇ હતી. કહેવાઇ રહ્યું છે કે આ ત્રણેય યુવાનો ગુજરાત, ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર રાજ્યના છે.
હથિયાર ચલાવતા શિખવાયું
યુપીના રહેનારા પીડિતના હવાલાથી કહેવાયું હતું કે તેમને હથિયારો ચલાવતા શિખવવામાં આવ્યું હતું. આ તાલીમ રશિયન સેનાએ આપી હતી. તે બાદ જાન્યુઆરીમાં તેમને રશિયા-યૂક્રેન સરહદે મોકલી દેવાયા હતા. જ્યાં તેમને બંદૂકની અણીએ લડવા મજબૂર કરાયા હતા. યુવાને અખબારને કહ્યું હતું કે અમે નવેમ્બર 2023માં રશિયા આવ્યા હતા અને અહીં અમારી પાસે કરાર પર સહી લેવાઇ હતી. અમને કહેવાયું હતું કે અમને યુદ્ધક્ષેત્રમાં નહીં મોકલાય અને 1.95 લાખ પગાર અને દર મહિને 50 હજાર બોનસ આપવાનો વાયદો કરાયો હતો.


